25 July, 2022 05:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં રવિવાર સવારથી જ ભારે વરસાદ વરસ્યો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને વાહનોની અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત આજુબાજુના વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી છે, જેના કારણે લોકોને નદી કિનારે જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના લગભગ તમામ વિસ્તારોમાં રવિવારે ભારે વરસાદ થયો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો સામે વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી.
જિલ્લાની પાલનપુર સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ સહિત પરિસરમાં પાણી ભરાવાના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી. આ સાથે બનાસકાંઠા જિલ્લામાં રવિવારે સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ થરાદમાં નોંધાયો હતો.
તો બીજી તરફ સુઇગામમાં 3 ઈંચ, પાલનપુર અને લાખણીમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જિલ્લાના ભાભર, સુઇગામ, દિયોદર, થરાદ, પાલનપુરમાં ભારે વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ માટીથી ભરાઈ ગયા હતા. પાલનપુરમાં બે કલાકમાં પોણો ઈંચ વરસાદ પડતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા જેણે પગલે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.
મહેસાણા શહેરમાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા સ્લમ વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે નગરપાલિકાની ચોમાસા પૂર્વેની તૈયારીઓ ખુલ્લી પડી ગઈ હતી.