ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર : ૧૩-૧૭ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન, ૨૦મીએ મતગણતરી

04 October, 2012 03:34 AM IST  | 

ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર : ૧૩-૧૭ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન, ૨૦મીએ મતગણતરી




લાંબા સમયથી જેની રાહ જોવામાં આવતી હતી એ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ગઈ કાલે જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે ૧૩ અને ૧૭ ડિસેમ્બરે એમ બે ફેઝમાં મતદાન થશે, જ્યારે હિમાચલ પ્રદેશમાં ૪ નવેમ્બરે મતદાન થશે. આ બન્ને રાજ્યોમાં ૨૦ ડિસેમ્બરે એક જ દિવસે મતગણતરી યોજાશે. ચીફ ઇલેક્શન કમિશનર વી. એસ. સંપતે ગઈ કાલે તારીખો જાહેર કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં બે તબક્કાની ચૂંટણી માટે ૧૭ અને ૨૩ નવેમ્બરે જાહેરનામું બહાર પડશે અને હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે ૧૦ ઑક્ટોબરે જાહેરનામું બહાર પડાશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં બન્ને રાજ્યોમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

ચૂંટણી-કમિશનરે કહ્યું હતું કે ‘બન્ને રાજ્યોમાં આચારસંહિતાનું પાલન થાય એ માટે કડક પગલાં ભરવામાં આવશે તથા દરેક પાર્ટીઓની કામગીરી પર નજર રાખવામાં આવશે. ગુજરાતની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ પ્રથમ ફેઝ માટે ૨૪ નવેમ્બર રહેશે, જ્યારે બીજા તબક્કા માટે આ તારીખ પહેલી ડિસેમ્બર રહેશે. ફૉર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ અનુક્રમે ૨૮ નવેમ્બર અને ૩ ડિસેમ્બર રહેશે. પરીક્ષાઓ, તહેવારો તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવી છે. ગુજરાતની અત્યારની વિધાનસભાની મુદત ૧૭ જાન્યુઆરીએ પૂરી થઈ રહી છે, જ્યારે હિમાચલ પ્રદેશ વિધાનસભાની મુદત ૧૦ જાન્યુઆરીએ પૂરી થઈ રહી છે.’

હિમાચલ પ્રદેશમાં ર્ફોમ ભરવાની છેલ્લી તારીખ ૧૭ ઑક્ટોબર છે જ્યારે ર્ફોમ પાછું ખેંચવાની છેલ્લી તારીખ ૨૦ ઑક્ટોબર છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની કુલ ૬૮ બેઠકો પર ૪૫.૧૬ લાખ મતદારો પોતાના મત આપશે.

ગુજરાતમાં ૩.૭૮ કરોડ મતદારો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ૩.૭૮ કરોડ મતદારો માટે ૪૪,૪૯૬ મતદાન-કેન્દ્રો ઊભાં કરવામાં આવશે. ગુજરાતમાં વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે મતદાન થશે. રાજ્યમાં પહેલા તબક્કામાં ૮૭ બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં બાકીની ૯૫ બેઠકો પર મતદાન થશે. ચૂંટણી પંચ તમામ ચૂંટણીપ્રક્રિયાની વિડિયોગ્રાફી કરાવશે. ગુજરાતમાં અર્ધ-લશ્કરી દળોના ૫૨,૦૦૦ જવાનોને તહેનાત કરવામાં આવશે. અગાઉની જેમ મતદાન ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન દ્વારા થશે.

ગુજરાતની ચૂંટણીનું ટાઇમ-ટેબલ

પહેલા તબક્કાનું મતદાન : ૧૩ ડિસેમ્બર

બીજા તબક્કાનું મતદાન : ૧૭ ડિસેમ્બર

મતગણતરી : ૨૦ ડિસેમ્બર

જાહેરનામું પ્રસિદ્ધ થશે : ૧૭ અને ૨૩ નવેમ્બર

પહેલા તબક્કામાં ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ : ૨૪ નવેમ્બર

બીજા તબક્કા માટે ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ : ૩૦ નવેમ્બર

પહેલા તબક્કા માટે ફૉર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ : ૨૮ નવેમ્બર

બીજા તબક્કા માટે ફૉર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ : ૩ ડિસેમ્બર