સંતોકબહેન જાડેજાનો દીકરો કુતિયાણામાંથી ચૂંટણી લડશે

19 November, 2012 07:15 AM IST  | 

સંતોકબહેન જાડેજાનો દીકરો કુતિયાણામાંથી ચૂંટણી લડશે



કાંધલ જાડેજાનું નામ મુંબઈગરા માટે આમ તો અજાણ્યું છે, પણ તેનાં પપ્પા-મમ્મી સરમણ મુંજા અને સંતોકબહેન જાડેજાનું નામ ગુજરાત અને ગુજરાતીઓમાં બહુ મોટું છે. એક સમયે ગુજરાતના ડૉન તરીકે જાણીતા થયેલા સરમણ મુંજાની લાઇફ પરથી બની રહેલી ફિલ્મમાં સરમણનો રોલ સંજય દત્ત કરી રહ્યો છે તો ફિલ્મ ‘ગૉડમધર’માં કાંધલ જાડેજાનાં મમ્મી સંતોકબહેન જાડેજાનું કૅરૅક્ટર શબાના આઝમીએ કર્યું હતું. આ સરમણ મુંજા અને સંતોકબહેન જાડેજાના સૌથી મોટા દીકરા કાંધલ જાડેજાએ પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. કાંધલ જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે એનસીપી મને ટિકિટ આપવા તૈયાર છે, પણ જો એ ટિકિટ નહીં આપે તો હું આ સેન્ટર પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લડવાનો છું એ નક્કી છે.

પોરબંદરમાં રહેતા ૪૪ વર્ષના કાંધલનું કુતિયાણા મોસાળ છે. આ અગાઉ આ જ બેઠક પરથી સંતોકબહેન જાડેજા નેવુંના દશકામાં અપક્ષ ઉમેદવાર તરીકે ઇલેક્શન લડ્યાં હતાં અને જીત્યાં હતાં. કાંધલ જાડેજાની ધાક પણ આ વિસ્તારમાં પ્રવર્તે છે. હત્યા અને હત્યાનો પ્રયાસ કરવાના, લૂંટફાટ કરવાના અને ધમકી આપવાના બાવીસ કેસ કાંધલ પર થયા છે.

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી