મુંબઈની માફક ગુજરાતનાં શહેરો ડેવલપ કરવાનું કૉન્ગ્રેસનું પ્રૉમિસ

19 October, 2012 03:07 AM IST  | 

મુંબઈની માફક ગુજરાતનાં શહેરો ડેવલપ કરવાનું કૉન્ગ્રેસનું પ્રૉમિસ



ચૂંટણીઢંઢેરો એકસાથે જાહેર ન કરીને ગુજરાત કૉન્ગ્રેસે ગઈ કાલે પોતાનો ઇલેક્શન-મેનિફેસ્ટોનો દસમો મુદ્દો જાહેર કર્યો હતો. આ દસમા મુદ્દામાં કૉન્ગ્રેસે શહેરીજનોને આવરી લીધા હતા. ગુજરાત કૉન્ગ્રેસે મુંબઈના બાંધકામના નિયમોની પૅટર્ન અપનાવવાનું વચન આપતાં કહ્યું હતું કે જો ગુજરાતમાં કૉન્ગ્રેસની સરકાર આવશે તો જે રીતે મુંબઈમાં એફએસઆઇ ટ્રાન્સફર કરવાથી માંડીને એફએસઆઇની લે-વેચ થઈ શકે છે એ જ રીતે ગુજરાતમાં પણ આ એફએસઆઇની ટ્રાન્સફર અને લે-વેચ થઈ શકે એવો નિયમ બનાવવામાં આવશે.

ગઈ કાલે આપવામાં આવેલાં કુલ ૧૫ વચનોમાં સૌથી આકર્ષક કોઈ વચન હોય તો એ ૨૪ કલાક પીવાનું પાણી પૂરું પાડવાનું હતું. ગુજરાત કૉન્ગ્રેસે દાવો કર્યો હતો કે જો એની સરકાર આવશે તો ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને ભુજ શહેરમાં ૨૪ કલાક પાણી વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત કૉન્ગ્રેસ દ્વારા એક દાવો એવો પણ કરવામાં આવ્યો હતો કે જો કૉન્ગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો ૨૦૧૭ના ડિસેમ્બર સુધી ગુજરાતને ઝીરો સ્લમ સ્ટેટ બનાવવામાં આવશે. ગુજરાતના કૉન્ગ્રેસપ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ કહ્યું હતું કે ઝૂંપડપટ્ટીઓ ફક્ત હટાવવામાં નહીં આવે, હટાવવામાં આવેલી ઝૂંપડપટ્ટીના લોકોને રહેવા માટે આવાસ પણ પૂરા પાડવામાં આવશે.

ગુજરાત કૉન્ગ્રેસે પોતાનો ચૂંટણીઢંઢેરો ૧૨ એપિસોડમાં જાહેર કરવાનું નક્કી કર્યું છે જેમાંથી ૧૦ એપિસોડ જાહેર થઈ ગયા છે. હવે બે એપિસોડ બાકી રહ્યા છે.

એફએસઆઇ = ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ