ગુજરાતમાં સી હાઇવે બન્યો

03 May, 2017 07:26 AM IST  | 

ગુજરાતમાં સી હાઇવે બન્યો


શૈલેષ નાયક, અમદાવાદ

ગુજરાતમાં ગલ્ફ ઑફ કચ્છનો સી હાઇવે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો અનોખો ટૂરિસ્ટ-રૂટ બન્યો છે. ૨૦૧૩ના વાઇબ્રન્ટ ગુજરાતમાં એક ગુજરાતીએ ગુજરાત સરકાર સમક્ષ પ્રોજેક્ટ સાથે પ્રપોઝલ મૂકીને સાહસિક અભિયાન શરૂ કરીને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાને અડીને આવેલા ઓખાથી કચ્છના પ્રવાસન સ્થળ માંડવી વચ્ચે દરિયાને રૂટ બનાવીને અનોખી ફેરી-સર્વિસ શરૂ કરી છે.

ગુજરાતના દરિયાકાંઠે ફેરી-સર્વિસનું બીડું ઝડપનાર દ્વારકા કચ્છ ફેરી ઍન્ડ ટૂરિઝમ પ્રાઇવેટ લિમિટેડના પ્રોજેક્ટ ડિરેક્ટર રાજેશ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચ્છ–સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, ગાંધીધામ, ભુજ વચ્ચે રોજના અંદાજે સાડાપાંચથી છ હજાર લોકોની અવરજવર થાય છે. દ્વારકામાં ભગવાન દ્વારિકાધીશનાં દર્શન માટે લાખો યાત્રાળુઓ આવે છે. બીજી તરફ કચ્છમાં પણ મોટી સંખ્યામાં ટૂરિસ્ટો આવે છે. સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો વિશાળ દરિયો છે ત્યારે મને ફેરી-સર્વિસ શરૂ કરવાનો વિચાર આવ્યો અને કામગીરી હાથ ધરી. મુંબઈની પ્રતિષ્ઠા મરીન સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ સાથે જૉઇન્ટ વેન્ચર કર્યું અને એની બોટ લીધી અને ગઈ ૧૨ ડિસેમ્બરથી ઓખા–માંડવી વચ્ચે દરિયાઈ માર્ગે ફેરી-સર્વિસ શરૂ કરી છે.’

દ્વારકાથી માંડવીનું અંદાજે ૪૫૦ કિલોમીટરનું અંતર વાહનમાર્ગે ૧૧ કલાકમાં પૂરું થાય છે ત્યારે દરિયાઈ માર્ગે ફેરી બોટ-સર્વિસથી માત્ર સાડાત્રણ કલાકમાં આ અંતર પૂરું થાય છે. મુસાફરોના સમયની બચત થાય છે તેમ જ દરિયાઈ સફરનો રોમાંચક લહાવો મળી રહ્યો છે. અત્યાર સુધી ૨૪૫ ટ્રિપ પૂરી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ફરવા આવતા ટૂરિસ્ટો, બિઝનેસ પર્સન્સ તેમ જ અન્ય મુસાફરો માટે દરિયાઈ સફરથી અંતર ઘટતાં અને સમય બચતાં આ સાગરસેતુ ઉપયોગી બન્યો છે. આ પ્રોજેક્ટને પાર ઉતારવામાં સરકાર દ્વારા સહકાર મળ્યોછે.

અત્યાર સુધીમાં ફૉરેનર્સ સહિત ૯ હજારથી વધુ મુસાફરોએ આ અનોખા દરિયાઈ માર્ગે મુસાફરી કરી છે. આ મુસાફરીમાં ૧૦ માઇલનો વિસ્તાર એવો આવે છે જેમાં ચારે બાજુ માત્ર પાણી જ પાણી દેખાય છે. આવો રોમાંચક નજારો જોવા માટે આંદામાન કે પછી લક્ષદ્વીપ જવું પડે એવો નજારો સૌરાષ્ટ્ર–કચ્છના ગલ્ફ ઑફ કચ્છના દરિયામાં ફેરી-સર્વિસની મુસાફરી માણતાં જોવાનો લહાવો મળે છે.

૯૦ બેઠકો ધરાવતી બોટમાં AC અને નૉન-AC ક્લાસની બેઠકવ્યવસ્થા છે. ઑનલાઇન બુકિંગ સિસ્ટમ પણ છે. ઓખા અને માંડવીમાં મુસાફરો માટે ટિકિટ-વિન્ડો અને વેઇટિંગ લાઉન્જની વ્યવસ્થા છે.

હવે જામનગરથી મુન્દ્રા વચ્ચે ફેરી-સર્વિસ શરૂ કરવા સક્રિય


અનેક મુશ્કેલીઓની વચ્ચે પોતાના સાહસમાં સફળતા મળતાં રાજેશ દોશીએ હવે જામનગર અને મુન્દ્રા વચ્ચે ફેરી -સર્વિસ શરૂ કરવાની સક્રિય વિચારણા હાથ ધરી છે. તેઓ આ ઉપરાંત દમણ–દીવ, સુરત નજીક ડુમ્મસ કે હજીરાથી ભાવનગર પાસેના મહુવા અથવા તો પીપાવાવ પાસે આવેલા વિક્ટર વચ્ચે ફેરી-સર્વિસ શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છે.

રાજેશ દોશીએ કહ્યું હતું કે ‘હવે અમે આ પ્રોજેક્ટ હાથમાં લીધો છે. આ રૂટ પર ફેરી-સર્વિસ શરૂ કરી શકાય એ માટે પૂરતો અવકાશ છે. અત્યારે અમારી પાસે એક બોટ છે. એ ઉપરાંત ૨૯૦ બેઠકોની ક્ષમતાવાળી નૉર્વેથી એક બોટ લાવવામાં આવશે. આ નવી બોટને અત્યારના ઓખા–માંડવી રૂટ પર ચલાવીશું અથવા તો જામનગર-મુન્દ્રા માટે મંજૂરી મળશે તો એ રૂટ પર આ નવી બોટની સર્વિસ શરૂ કરીશું.’