નવસારી રેલવે સ્ટેશને મુંબઈનો યુવાન ટોળા ન્યાયનો ભોગ બન્યો

04 February, 2020 09:56 AM IST  |  Navsari | Ronak Jani

નવસારી રેલવે સ્ટેશને મુંબઈનો યુવાન ટોળા ન્યાયનો ભોગ બન્યો

માર ખાતો યુવાન

નવસારીમાં રવિવારે પ્લૅટફૉર્મ નં. ૨ ઉપર ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં એક મહિલા મુસાફરનો મોબાઈલ ખોવાઈ ગયો હતો, આ મોબાઈલ નજીકમાં બેઠેલા ૨૦થી ૨૨ વર્ષના યુવાને ચોરી કર્યો હોવાની શંકા રાખી તેને મહિલાએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો, મોકો મળતાં અન્ય મુસાફરોએ પણ પોતાના હાથ સાફ કરી લીધા હતા અને યુવાનને મારતાં મારતાં તેના ખિસ્સામાંથી મોબાઈલ અને પાકીટ પણ કાઢી લીધું હતું. જોકે પાછળથી જે મોબાઈલ ચોરાયાની વાતને લઈને યુવાનને માર માર્યો હતો એ મોબાઈલ ટ્રેનમાંથી ફરિયાદ કરનાર મુસાફરની સીટ પાસેથી મળી આવતાં આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં લોકો પણ યુવકને ચોર સમજી ગયા હતા. જોકે બાદમાં હકીકત જાણતા યુવક પ્રત્યે બધાએ લાગણી બતાવી હતી. આ રીતે ચોર સમજીને માર ખાનાર મુંબઈના વસઈ ખાતે રહેતો યુવાન નવસારી સ્ટેશને મોબ-લિન્ચિંગનો ભોગ બન્યો હતો. આ યુવાને પોતાનું નામ શાદાબ જણાવ્યું હતું અને તે વસઈ ખાતે રહેતો હોવાનું અને તે સુરત ખાતે રહેતી બહેનને મળવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું,  તેણે જણાવ્યું કે લોકો મને મારતા હતા ત્યારે મારા પેન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢી ગયા હતા જેમાં ટ્રેનની ટિકિટ અને પૈસા પણ હતા.

navsari gujarat