ગુજરાતમાં ગૌહત્યા થશે તો હવે સાત વર્ષ સુધીની સજા

28 September, 2011 07:02 PM IST  | 

ગુજરાતમાં ગૌહત્યા થશે તો હવે સાત વર્ષ સુધીની સજા


ગઈ કાલે ગુજરાત વિધાનસભામાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા વિધેયક મંજૂર કરવામાં આવ્યું હતું. પ્રધાન દિલીપ સાંઘાણીએ માહિતી આપતાં ગૃહમાં કહ્યું કે ગાય અને ગૌવંશ બચાવવા ગુજરાત બીજેપીની સરકાર કટિબદ્ધ છે અને ગૌરક્ષા કરવી એ ગુજરાત સરકારની પ્રાથમિકતા છે. ગૌહત્યાના કેસમાં આ અગાઉ છ મહિનાની સજા હોવાનું તેઓએ ગૃહમાં કહ્યું હતું.

સુધારા મુજબ હવે ગુજરાતમાં જે કોઈ વ્યક્તિ આ જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કોઈ પણ પશુનો વધ કરે, તેને દોષિત ઠરનારને સાત વર્ષ સુધીની, પણ ત્રણ વર્ષથી ઓછી નહીં એટલી મુદતની કેદ અને પચાસ હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા થશે.ગૌમાંસ અથવા ગૌમાંસની બનાવટોનું વેચાણ અથવા ખરીદી કરવા સામે પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો.

કૉન્ગ્રેસનું પણ સમર્થન

ગઈ કાલે ગુજરાત વિધાનસભામાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા વિધેયક મંજૂર કરાવવા માટે કૉન્ગ્રેસના મુસ્લિમ ધારાસભ્યોએ વિશેષ ખ્યાલ રાખ્યો હતો અને આ બિલ પાસ થાય એ માટે તેમના પક્ષના નેતાને મળીને બિલને ટેકો આપવા પણ આગ્રહ કર્યો હતો.