મોટેરા બન્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

03 March, 2021 01:39 PM IST  |  Ahmedabad | Agency

મોટેરા બન્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અમિત શાહ. તસવીર : પી.ટી.આઇ.

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા મોટેરાનું ગઈ કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદ્ઘાટન કર્યું છે. આ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું એ સાથે જ સ્ટેડિયમના ગેટ પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામનું બોર્ડ લગાડી દેવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહપ્રધાન અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન કર્યું હતું.

ગઈ કાલે સ્ટેડિયમના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રમતગમત પ્રધાન કિરેન રિજિજુ, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ મંચ પર હાજર રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે અમદાવાદમાં ૨૩૩ એકર જમીન પર ઊભા થનારા સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો આ સ્ટેડિયમ એક ભાગ છે. નારણપુરામાં પણ ૧૮ એકર જમીન પર એક સ્પોર્ટ્સ એન્કલેવ બનશે. આમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને નારણપુરાના સ્પોર્ટ્સ એન્ક્લેવ થકી આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવનું આયોજન થઈ શકે એવું વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ શકશે. એમાં કૉમનવેલ્થ, એશિયાડ તેમ જ ઑલિમ્પિક્સ કક્ષાના રમતોત્સવ પણ આયોજિત કરી શકાશે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયા બાદ અમદાવાદ દેશભરમાં સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે.

ગેટ પાસે ટિકિટ માટે ભીડ કરી રહેલા લોકો તેમ જ સરદાર પટેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ નજરે પડે છે. તસવીર : પી.ટી.આઇ.

અમિત શાહે જણાવ્યું હતું કે પીએમ મોદીએ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા જેવા અભિયાન પણ શરૂ કરાવ્યા છે એવું જણાવતાં અમિત શાહે જણાવ્યું હતું કે ખેલાડીઓ માટે સરકારે ડાયટિંગ, ટ્રેઇનિંગ સહિતનાં તમામ ક્ષેત્રે બધી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે, જેનાં પરિણામો હવે દેખાવા લાગ્યાં છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે રમતગમતની સવલતોનો વિકાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને એનાથી પણ વધુ મહત્ત્વપૂર્ણ છે કે વ્યાપક સ્તર પર પ્રતિભાશાળી ખેલાડીઓ એનો લાભ ઉઠાવી શકે. ફેસિલિટીની સાથે એક્સેસ ટુ ફેસિલિટી બન્ને જરૂરી છે. સારું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સમાં ઉત્કૃષ્ટતા કોઈ પણ દેશના વિકાસના માપદંડ હોય છે. રાષ્ટ્રપતિએ ભારત વિરુદ્ધ ઇંગ્લૅન્ડની મૅચ માટે પણ તમામ ખેલાડીઓને શુભેચ્છા આપી હતી.

આ સરદારસાહેબનું નહીં, પણ ગુજરાતનું અપમાન : અમિત ચાવડા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામને લઈને ગુજરાત કૉન્ગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટમાં કહ્યું છે કે કૉન્ગ્રેસના સમયમાં અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદારસાહેબના નામ સાથે જોડાયું હતું, જેને હવે બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ કરવાની ચેષ્ટા ગુજરાત સહન નહીં કરે. આ સરદારસાહેબનું અપમાન જ નહીં, ગુજરાતનું પણ અપમાન છે. સત્તાના અહંકારમાં બીજેપીવાળા ઇતિહાસ ભુલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સરદાર પટેલનું અપમાન: હાર્દિક પટેલ

અમદાવાદ (એ.એન.આઈ.) કૉન્ગ્રેસના નેતા હાર્દિક પટેલે ગઈકાલે જણાવ્યું હતું કે ‘‘વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ અપાયું હતું, એ બદલીને તેને નરેન્દ્ર મોદીનું નામ આપવું એ સરદાર પટેલનું અપમાન ગણાય. સરદાર પટેલને નામે વોટ માગનારો પક્ષ બીજેપી સરદાર સાહેબનું અપમાન કરી રહ્યો છે.’’

સોશ્યલ મીડિયામાં ઊઠ્યો વિરોધ

મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવતાં સોશ્યલ મીડિયામાં લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. મોદી હાલ હયાત છે ત્યારે આ પગલું યોગ્ય નથી એવું ઘણાએ કહ્યું હતું તો કેટલાક લોકોએ મોદીના યોગદાનને જોતાં આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. રાજકીય પક્ષોએ સરદાર પટેલનું નામ હટાવીને આ નામ આપવામાં આવ્યું હોવાનું જણાવી એનો વિરોધ કર્યો હતો.

મોદી સ્ટેડિયમ નામકરણ મામલે સ્પષ્ટીકરણ

અમદાવાદ : અમદાવાદમાં બનેલા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ છે. આ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સની અંદર વિવિધ ઍક્ટિવિટી છે, જેમાંની એક ઍક્ટિવિટી એટલે ક્રિકેટનું સ્ટેડિયમ છે. આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ મોટેરા હતું, જે હવે બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. એટલે કે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રહેશે, જ્યારે કે સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રહેશે.

gujarat ahmedabad motera stadium ram nath kovind amit shah narendra modi narendra modi stadium