ગીર સોમનાથમાં ધસમસતાં પાણીના પ્રવાહ વચ્ચે સગર્ભા મહિલા માટે રચાઈ માનવસાંકળ

02 July, 2023 08:37 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આકાશી આફતમાં મિશન જિંદગી બચાવો

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ખત્રીવાડા ગામમાં સગર્ભાને હૉસ્પિટલ પહોંચાડવાના મિશનમાં સામેલ ગામના લોકો

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ખત્રીવાડા ગામે ગઈ કાલે માનવસાંકળ રચીને કેડસમાં ધસમસતાં પાણીના પ્રવાહ વચ્ચેથી સગર્ભા મહિલાને ગામજનોએ સલામત સામેકાંઠે પહોંચાડીને આફતના સમયે સ્વસ્થતા ગુમાવ્યા વગર કોઠાસૂઝથી રસ્તો કાઢીને એકબીજાને મદદ કરવા સાથે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એટલું જ નહીં, ઉના પોલીસે સનખડા ગામે ઝાડી-ઝાંખરાં ક્લીન કરાવી જેસીબી મશીન આડું મૂકીને સગર્ભા મહિલાને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવા માનવીય અભિગમ સાથે મદદ કરી હતી. હૉસ્પિટલમાં મહિલાએ બેબી-ગર્લને જન્મ આપતાં ગામમાં અને પોલીસ કર્મીઓમાં ખુશી ફેલાઈ અને રાહતનો શ્વાસ લીધો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યાં છે ત્યારે ખત્રીવાડા ગામમાં રહેતાં સેજલ પ્રતાપ રાઠોડને ગઈ કાલે બપોરે લેબર-પેઇન થયું હતું. બીજી તરફ ગામ સુધી ઍમ્બ્યુલન્સ આવી શકે એવી સ્થિતિ નહોતી, કેમ કે ગામ પાસે કોઝવે પર રૂપેણ નદીનાં ધસમસતાં પાણી ફરી વળ્યાં હતાં. જોકે આ બાબતની જાણ ગામના લોકોને થતાં યુવાનો સહિતના ગામજનો રાઠોડ પરિવારને મદદ કરવા બહાર આવ્યા હતા અને એકઠા થઈને કોઝવે પરથી પસાર થતી નદીમાં કેડસમાં પાણીમાં એકબીજાનો હાથ પકડીને માનવસાંકળ રચી હતી. જેથી કોઈ મુશ્કેલી સર્જાય નહીં. એક તરફ માનવસાંકળ રચી હતી અને બીજી તરફ સગર્ભા મહિલાને ખાટલા પર સુવાડીને કેટલાક ગામજનો ખાટલાને ઊંચકીને તેમને નદીનાં ધસમસતાં પાણીના પ્રવાહ વચ્ચેથી બીજા છેડે હેમખેમ ટ્રૅક્ટર સુધી લઈ ગયા હતા. 

Gujarat Rains gujarat gujarat news