ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો

18 September, 2023 09:00 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રાજ્યના ૧૬૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો : સૌથી વધુ વરસાદ પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પડ્યો : અમદાવાદમાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો

મહીસાગરના માધવાસમાં સ્વપ્ન સૃષ્ટિ બંગલોઝમાં પાણી ભરાઈ ગયાં હતાં

ગુજરાતના અનેક વિસ્તારોમાં ગઈ કાલે સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યના ૧૬૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા અને અર​વલ્લી જિલ્લામાં પડ્યો હતો. અમદાવાદમાં પણ ગઈ કાલે સવારે ધીમા વરસાદની શરૂઆત થઈ હતી, પરંતુ બપોર બાદ મુશળધાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પૂર્વથી લઈને પશ્ચિમના વિસ્તારોમાં પાણીનો ખૂબ જ ભરાવો થયો છે.

અમદાવાદના ચાંદખેડા, જગતપુર, ઍરપોર્ટ, સાબરમતી વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયાં હતાં. બીજી તરફ અખબારનગર અને નિર્ણયનગર અન્ડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યા હતા. એ સિવાય જુદા-જુદા વિસ્તારોમાં ગરનાળામાં પાણી ભરાતાં વાહનચાલકો ફસાયા હતા.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગઈ કાલે પાણીનો ભરાવો થયો હતો

છોટાઉદેપુરના બોડેલી તાલુકામાંથી પસાર થતી હેરણ નદીમાં ઘોડાપુર આવ્યું છે. બોડેલીના મુલધર અને જબુગામ વચ્ચેથી પસાર થતી મેરિયા નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. 
ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમ મધ્ય પ્રદેશ પરથી થઈને રાજસ્થાન અને ગુજરાત પર આવશે. એ પછી કચ્છ પર થઈને અરબી સમુદ્રમાં જાય એવી શક્યતા છે.

સૌથી વધુ વરસાદ

તાલુકા

મિલિમીટરમાં વરસાદ

ગોધરા

૨૨૬

શેહેરા

૨૨૦

વીરપુર

૨૦૫

તલોદ

૧૮૧

મોરવા (હડફ)

૧૭૧

 

Gujarat Rains Weather Update gujarat gujarat news