25 July, 2019 02:44 PM IST | મહેસાણા
પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરવાનું પડ્યું ભારે
વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો ટ્રેન્ડ હાલ લોકો પર સવાર છે. વીડિયો બનાવતા સમયે લોકો એ પણ નથી વિચારતા કે તેઓ ક્યાં છે અને તેનાથી નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સરકારી બસમાં, ટ્રેનમાં, મેટ્રોમાં જીવ જોખમમાં નાખીને વીડિયો બનાવવામાં આવે છે. આવો જ એક કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે. જેમાં ઉપરી અધિકારીની સૂચના બાદ એક મહિલા પોલીસકર્મીને બુધવારે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, કારણ કે તેણે પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરતો વીડિયો બનાવ્યો હતો.
મામલો મહેસાણા જિલ્લાના લંગનાજ પોલીસ સ્ટેશનમાં લોક રક્ષક દળમાં તહેનાત અર્પિતા ચૌધરી નામની મહિલા પોલીસકર્મીએ લોકઅપની સામે ડાન્સ કરતો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરી દીધો, જે વાયરલ પણ થઈ રહ્યો છે. તેની ફરિયાદ જ્યારે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળી, તો મહિલા પોલીસકર્મીની સામે તરત જ કાર્રવાઈ કરવામાં આવી.
ડીએસપી મનજીતા વણઝારાએ કહ્યું કે, 'અર્પિતા ચૌધરીએ નિયમો તોડ્યા છે. વીડિયો બનાવતા સમયે તે ડ્યૂટી પર યુનિફોર્મમાં નહોતી. અને સાથે જ તે લંગનાજ ગામના પોલીસ સ્ટેશનમાં પોતાનો વીડિયો બનાવી રહી હતી. પોલીસે પોતે શિસ્તનું પાલન કરવું જોઈએ, જે તેણે નથી કર્યું એટલે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે.'
આ પણ વાંચોઃ આવી છે 'વાસ્તે' અને 'દિલબર' ગર્લ ધ્વનિ ભાનુશાળીની લાઈફ
અર્પિતાએ આ વીડિયો 20 જુલાઈએ બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા સાઈટ્સ અને વૉટ્સએપ પર વાયરલ થયો છે. ડીએસપીએ જણાવ્યું કે મહિલા પોલીસ કર્મી અર્પિતા ચૌધરીની વર્ષ 2016માં લોક રક્ષક દળમાં પસંદગી થઈ હતી, જેને 2018માં મહેસાણામાં પોસ્ટિંગ મળ્યું હતુ.