જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત કરતાં ચકચાર

21 October, 2019 08:15 AM IST  |  જામનગર

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત કરતાં ચકચાર

પ્રતિકાત્મક તસવીર

જામનગરમાં વ્યાજખોરોના ત્રાસના કારણે વધુ એક યુવાને આપઘાત કરી લીધો છે. શહેરના રણજિત સાગર રોડ પર પટેલ પાર્કમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા એક યુવાને ઘરે ઝેરી દવા પી જીવાદોરી ટૂંકાવી લીધી હતી. મૃતક યુવાને આત્મઘાતી પગલા પૂર્વે ચાર પાનાંની કથિત સુસાઇડ-નોટમાં રુવાડાં ઊભા કરી દે તેવી વેદના ઠાલવતા લખ્યું છે કે મારી પાંચ વર્ષની દીકરીનું ધ્યાન રાખજો, જિંદગીને ગુડબાય.
શહેરના રણજિત સાગર રોડ પર પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા વિપુલ ગોરધનભાઈ સંઘાણી નામના યુવાને શનિવારે બપોરે પોતાના ઘરે જ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની પરિજનોને જાણ થતાં તાકીદે જી. જી. હૉસ્પિટલમાં ખસેડાયો હતો. જેના પગલે પોલીસ ટુકડી પણ દોડી ગઈ હતી. પોલીસને મૃતકના કબજામાંથી એક ચિઠ્ઠી પણ મળી હતી. આ સ્વહસ્તે લખાયેલી કથિત નોટમાં વ્યાજખોરોના ત્રાસના કારણે આ પગલું ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ લખાયેલો જોવા મળ્યો હતો.
આ ચાર પાનાંની કથિત ચિઠ્ઠીમાં પોતે ફસાઈ ગયો હોવાનું જણાવીને વ્યાજખોરોના ત્રાસના કારણે આ પગલું ભરી લીધાનો ઉલ્લેખ કર્યો છે. પોતે છેલ્લાં પાંચ વર્ષથી વ્યાજખોરોના ત્રાસના કારણે અલગ રહેતો હોવાનું પણ ચિઠ્ઠીમાં જણાવ્યું છે.

jamnagar gujarat