જે જેલના સંજીવ ભટ્ટ સુપરિટેન્ડન્ટ હતા, એ જ જેલમાં આજે પોતે કેદી

03 October, 2011 09:12 PM IST  | 

જે જેલના સંજીવ ભટ્ટ સુપરિટેન્ડન્ટ હતા, એ જ જેલમાં આજે પોતે કેદી

 

સંજીવને સાબરમતી જેલના દસ ખોલી યાર્ડમાં રખાયા, પરંતુ બાકીની નવ રૂમ તો વૅકન્ટ છે

સાબરમતી મધ્યસ્થ જેલના સુપરિન્ટેન્ડન્ટ આર. જે. પારગીએ ‘મિડ-ડે’ને કહ્યું કે સંજીવ ભટ્ટને જેલની અંદર દસ ખોલી યાર્ડમાં રાખવામાં આવ્યા છે. આ જગ્યાએ કેદીઓ માટે દસ રૂમો છે એમાંની એક રૂમમાં સંજીવ ભટ્ટને રાખવામાં આવ્યા છે. બાકીની નવ રૂમો ખાલી છે. સંજીવ ભટ્ટને પોલીસ-અધિકારી ડી. જી. વણજારાની જેમ સિક્યૉરિટી પ્રોવાઇડ કરવામાં આવી છે.

એક સમયના સાબરમતી મધ્યસ્થ જેલના સુપરિન્ટેન્ડન્ટ સંજીવ ભટ્ટને આજે એક આરોપી તરીકે જુડિશ્યલ કસ્ટડીમાં સાબરમતી મધ્યસ્થ જેલમાં જ પુરાવાનો વારો આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ ૨૦૦૩ની સાલમાં સાબરમતી મધ્યસ્થ જેલના સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હતા. શનિવારે સંજીવ ભટ્ટના રિમાન્ડ ર્કોટે નામંજૂર કર્યા હતા. આજે સંજીવ ભટ્ટના જામીન માટે ર્કોટમાં જામીનઅરજી કરવામાં આવશે.

વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ અને કૉન્ગ્રેસના બીજા નેતા નરહરિ અમીન ગઈ કાલે સંજીવ ભટ્ટની ફૅમિલીને મળ્યા હતા.

કેદીઓએ ગાંધીવિચારની લેખિત પરીક્ષા આપી

અમદાવાદ: ગુજરાતના ઉચ્ચ પોલીસ-અધિકારી ડી. જી. વણજારા, એમ. એલ. પરમાર, સોહરાબુદ્દીન કેસના આરોપીઓ સહિત સાબરમતી જેલના ૧૧૦ કેદીઓએ ગઈ કાલે મહાત્મા ગાંધીની જન્મજ્યંતીએ લેવામાં આવેલી ‘ગાંધીવિચાર’ની પરીક્ષા આપી હતી.


અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલના સુપરિન્ટેન્ડન્ટ આર. જે. પારગીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે સાબરમતી જેલમાં ગઈ કાલે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ‘ગાંધીવિચાર’ની ત્રણ કલાકની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં સાબરમતી જેલના ૧૧૦ કેદીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત હતા.

ગાંધીવિચારનો પ્રસાર થાય એ હેતુથી આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ગાંધીવિચાર અને સર્વધર્મ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.