26 July, 2022 10:12 AM IST | Botad | Gujarati Mid-day Correspondent
ભાવનગરની એક હૉસ્પિટલમાં ઝેરી દારૂ પીધા બાદ બીમાર વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે
ઝેરી દારૂ પીવાથી બોટાદ જિલ્લાના રોજીદ ગામમાં સાત જણનાં મૃત્યુ થયાં છે અને અનેક લોકોની હાલત ગંભીર છે. દારૂ પીધા બાદ ૧૬ જણની હાલત બગડી હતી. તેમને બોટાદ અને ભાવનગરની વિવિધ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા અને એમાંના ૭ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. મોતનો આંકડો વધે એવી શક્યતા છે. ભાવનગર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે ‘આ તમામ લોકોએ રવિવારે રાતે બરવાળા તાલુકામાં આવેલા રોજીદ ગામમાં દારૂ પીધો હતો. આ ઘટનાની તપાસ માટે પોલીસની એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. તેઓ ઝેરી દારૂ બનાવનારા બૂટલેગરની ધરપકડ કરશે. મરનાર એક વ્યક્તિની પત્નીએ જણાવ્યું હતું કે દારૂ પીધા બાદ થોડા કલાકમાં જ મારા પતિની હાલત ખરાબ થઈ ગઈ હતી. દરમ્યાન ભાવનગરની એક હૉસ્પિટલમાંથી પણ મેડિકલ ટીમ આઇસીયુ ઍમ્બ્યુલન્સ સાથે બોટાદ રવાના થઈ હતી. લઠ્ઠાકાંડની શક્યતાને પગલે નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદારે રોજીદ ગામમાં જઈને પૂછપરછ હાથ ધરી હતી. કૉન્ગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ગુજરાત સરકારનો ગૃહવિભાગ મોટી જાહેરાત કરે છે અને બૂટલેગરો બેફામ દારૂનો વેપલો કરે છે.