‘મહારાજ’ ફિલ્મ પરનો સ્ટે યથાવત્

21 June, 2024 02:00 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આ પહેલાં બુધવારે હાઈ કોર્ટના ન્યાયમૂર્તિએ ફિલ્મ જોવાની ઇચ્છા દર્શાવી હતી.

ફિલ્મનું પોસ્ટર

વિવાદમાં ફસાયેલી ‘મહારાજ’ ફિલ્મની રિલીઝ બાબતે ગુજરાત હાઈ કોર્ટે શું ચુકાદો આપ્યો એના પર સમગ્ર દુનિયાના વૈષ્ણવોની મીટ મંડાયેલી છે ત્યારે ગઈ કાલે એની સુનાવણી દરમ્યાન યાચિકાકર્તા તરફથી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે જોરદાર દલીલ કરવામાં આવી હતી. આ કેસમાં જે ૮ યાચિકાકર્તા છે એમાંના એક શૈલેશ પટવારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટમાં અમારા વકીલ તરફથી કહેવામાં આવ્યું હતું કે ચોપડીમાં લખેલી અને ફિલ્મમાં દર્શાવાયેલી વાતની અસર જબરદસ્ત થાય છે. આ ફિલ્મમાં એક આખા સંપ્રદાયને ખરાબ ચીતરવામાં આવ્યો હોવાથી એનાં દૂરગામી પરિણામ જોતાં એના પર પ્રતિબંધ મુકાવો જોઈએ. બે કલાક સુધી અમારો પક્ષ કોર્ટ સમક્ષ મૂક્યા બાદ સમય પૂરો થઈ જતાં આજે વધુ સુનાવણી થશે.’

આ પહેલાં બુધવારે હાઈ કોર્ટના ન્યાયમૂર્તિએ ફિલ્મ જોવાની ઇચ્છા દર્શાવી હતી. જોકે તેમણે ‘મહારાજ’ ફિલ્મ જોઈ કે નહીં એને લઈને ગઈ કાલે કોર્ટમાં કોઈ સ્પષ્ટતા થઈ નહોતી. કોર્ટમાં સુનાવણી ચાલુ હોવાથી ફિલ્મ પરનો સ્ટે ગઈ કાલે કાયમ રાખવામાં આવ્યો હતો.

gujarat high court gujarat gujarat news netflix