ગુજરાતમાં કેન્દ્રની સહાયનો યોગ્ય ઉપયોગ થતો જ નથી

10 December, 2012 09:13 AM IST  | 

ગુજરાતમાં કેન્દ્રની સહાયનો યોગ્ય ઉપયોગ થતો જ નથી




ગુજરાત વિધાનસભાના ઇલેક્શન માટે નવસારી પાસે વાંસદામાં કૉન્ગ્રેસનો પ્રચાર કરવા આવેલા દેશના વડા પ્રધાન મનમોહન સિંહે અપેક્ષિતપણે પોતાની સ્પીચ મર્યાદા સાથેની અર્થસભર રાખી હતી. સોનિયા ગાંધીની જેમ તેમણે પણ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનો નામમાત્ર ઉલ્લેખ પણ કર્યો નહોતો અને માત્ર સરકારના ગેરવહીવટ વિશે વાત કરી હતી. નરેન્દ્ર મોદી સતત કેન્દ્ર સરકાર સામે આક્ષેપો કરી છે અને એવો દાવો કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર ગુજરાત પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે. કેન્દ્રના વડા પ્રધાન હોવાને નાતે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે મનમોહન સિંહ મોદીના એ આક્ષેપોનો જવાબ આપશે પણ પોતાની ૩૭.૦૭ મિનિટની સ્પીચમાં મનમોહન સિંહે કોઈ આક્ષેપોનો જવાબ આપ્યો નહોતોે મનમોહન સિંહે કહ્યું હતું કે ‘ગુજરાતનો વિકાસ કેટલાક લોકો પૂરતો સંયમિત રહ્યો છે. અહીં ૪૧ ટકા મહિલા કુપોષણથી પીડાય છે અને ૩૭ ટકા બાળકોને પણ પૂરતું અને યોગ્ય પોષણ નથી મળતું. પીવાના પાણીની સુવિધા પૂરી પાડવાની જે વાતો થઈ છે એ વાતો ક્યારેય પૂરી કરવાની દરકાર કરવામાં નથી આવી, પણ ઉદ્યોગપતિઓને પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આ શરમજનક છે. કૃિષ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો દુખી થાય છે અને ઔદ્યોગિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવી રહી છે.’

ભાગલા પાડો, રાજ કરો

મનમોહન સિંહે ક્યાંય નરેન્દ્ર મોદીની ઉલ્લેખ કર્યા વિના જ આડકતરી રીતે કહ્યું હતું કે આજે પણ અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ દેશમાં અકબંધ છે. મનમોહન સિંહે કહ્યું હતું કે ‘વિપક્ષમાં અમે જોઈએ છીએ કે લોકો ભાગલા પાડવાની મહેચ્છા સાથે કામ કરે છે. ગુજરાતમાં આ વાત શાસક પક્ષને લાગુ પડે છે. આ શાસક પક્ષમાંથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે, યોગ્ય રીતે અને યોગ્ય મૂલ્યાંકન સાથે આ ઇલેક્શનમાં જવાબ આપવાનો છે.’

પહેલી જાહેર સભા

મનમોહન સિંહે આ ઇલેક્શનમાં ગઈ કાલે પહેલી જાહેર સભા સંબોધી હતી. આ જાહેર સભામાં તેમણે એફડીઆઇના ફાયદાઓ વર્ણવતાં કહ્યું હતું કે ‘એફડીઆઇથી કૃિષ પેદાશોનું નવું માર્કેટ ખૂલશે, જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે. આ લાભ ન મળે એ માટે કેટલાંક તત્વો વિરોધ કરી રહ્યાં છે, પણ એ વિરોધને જવાબ મળી ગયો છે એની અમને ખુશી છે.’

એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ