લૉકડાઉન 5.0: કેન્દ્ર મંજૂરી આપશે તો ગુજરાત સરકાર વધારે છૂટછાટો આપશે

29 May, 2020 02:25 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

લૉકડાઉન 5.0: કેન્દ્ર મંજૂરી આપશે તો ગુજરાત સરકાર વધારે છૂટછાટો આપશે

પ્રતિકાત્મક તસવીર

૧ જૂનથી શરૂ થનારું લૉકડાઉન કેવું હશે એની ચર્ચા અને અટકળો અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકાર પણ લૉકડાઉન 5.0માં કેવી અને કેટલી છૂટછાટો આપવી એનો નિર્ણય કેન્દ્ર સરકાર ગાઇડલાઇન્સ બહાર પાડે ત્યાર બાદ લેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લૉકડાઉન 4.0માં જ તમામ પ્રકારની આર્થિક ગતિવિધિઓ માટે મોટા પાયે છૂટછાટો જાહેર કરાઈ હતી.

સૂત્રોનું માનીએ તો જે રીતે કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે એને જોતાં લૉકડાઉન 5.0 આવવાનું લગભગ નક્કી જ છે. જોકે આર્થિક ગતિવિધિઓને ફરી ધમધમતી કરવા અને લોકોની નાણાકીય સંકડામણ ઘટે એ માટે એમાં વધુ છૂટછાટો મળે એવી શક્યતા છે. સીએમે આ અંગે મંત્રીઓ અને વિભિન્ન સમાજના આગેવાનો પાસેથી ફીડબૅક પણ મેળવ્યો છે, જેના આધારે લૉકડાઉન બે-ત્રણ સપ્તાહ માટે લંબાવાઈ શકે છે.

ગુજરાતમાંથી ૩૦ લાખથી વધુ શ્રમિકો પોતાના વતન ગયા

ગુજરાત સરકાર દ્વારા પરપ્રાંતીય કામદારોને તેમના વતન મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. સરકારે પરપ્રાંતીય કામદારોને પરત આવવાની મંજૂરી આપ્યા પછી ૧થી ૨૭ મે દરમિયાન ૩૦ લાખથી વધુ સ્થળાંતરિત કામદારો ગુજરાતમાંથી તેમનાં પોતાનાં રાજ્યો માટે રવાના થયા હતા. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં બીજા બે કે ત્રણ લાખ કામદારો રવાના થશે. ૩૦ લાખથી વધુ પરપ્રાંતીય કામદારો વતન જતા રહ્યા હોવાથી ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ભારે નુકસાન થાય એવી સંભાવના છે.

સરકારી રેકૉર્ડ અનુસાર ૯૭૪ જેટલી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોમાં ૧૫.૫૮ લાખથી વધુ સ્થળાંતરિત કામદારોને તેમનાં રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યા છે જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તામિલનાડુ જેવાં રાજ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૯.૫૦ લાખ કામદારોને સરકારી અને ખાનગી બસોમાં પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોકલવામાં આવ્યા છે. પગપાળા, સાઇકલ અથવા અન્ય ખાનગી વાહનોમાં રાજ્ય છોડીને ગયા હોય તેવા લોકોનો આ આંકડામાં સમાવેશ થતો નથી.

coronavirus covid19 gujarat