હજીયે વધારે ધારાસભ્યોનાં રાજીનામાં પડશેઃ નીતિન પટેલ

17 March, 2020 12:06 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

હજીયે વધારે ધારાસભ્યોનાં રાજીનામાં પડશેઃ નીતિન પટેલ

નીતિન પટેલ

ગુજરાતમાં હવે ૧૦ દિવસ પછી રાજ્યસભાની ખાલી પડેલી ૪ બેઠકોની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલાં કૉન્ગ્રેસમાં રાજકીય ભૂંકપ આવી રહ્યા છે. ગઈ કાલે કૉન્ગ્રેસના ચાર ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપી દીધું હતું, જેની સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં આવી હતી. જોકે આ સિલસિલો હજી ચાલુ રહેશે અને કૉન્ગ્રેસને હજી કેટલાક ઝાટકા પડવાના છે એવી વાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કરી છે. નીતિન પટેલે હજી કૉન્ગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપશે એમ જણાવ્યું છે.

પત્રકારો સાથે વાત કરતી વખતે નીતિન પટેલે કહ્યું કે સ્પીકરે જણાવ્યા પ્રમાણે કૉન્ગ્રેસના ૪ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હોવાની માહિતી મને મળી છે. તેમણે કહ્યું કે ‘ઘણી ચર્ચાઓ થતી હોય છે કે હજી પણ ઘણા ધારાસભ્યો કૉન્ગ્રેસ છોડવાના છે, ધારાસભ્યપદેથી રાજીનામું આપવાના છે.’

કૉન્ગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી નથી શકતી અને અમારા પર આક્ષેપ કરે છે : રૂપાણી

અમિત ચાવડા દ્વારા ખરીદ-વેચાણના આક્ષેપ કરવામાં આવતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અકળાઈ ઊઠ્યા હતા. અમિત ચાવડાના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે કૉન્ગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથી અને અમારા પર આક્ષેપ કરે છે. નીતિનભાઈ ૧૫ ધારાસભ્ય લઈને આવવાની વાત કરતા હતા, હવે તેમના જ ધારાસભ્ય બચાવી શકતા નથી. વીરજીભાઈ બૂમો પાડીને કહેતા હતા કે નીતિનભાઈ ૧૫ ધારાસભ્યો લઈને આવો એ તમે શું કરતા હતા.

Nitin Patel gujarat gandhinagar