ગુજરાતને ભ્રષ્ટ શાસકો પાસેથી હું મુક્ત કરાવીશ: શંકરસિંહ વાઘેલા

02 May, 2019 07:17 AM IST  |  ગાંધીનગર | (જી.એન.એસ.)

ગુજરાતને ભ્રષ્ટ શાસકો પાસેથી હું મુક્ત કરાવીશ: શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ અમદાવાદના નેહરુ બ્રિજ પાસે આવેલી ઇન્દુચાચાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને જણાવ્યું હતું કે ‘ભય, ભૂખ અને ભ્રષ્ટાચારવાળા ભ્રામક સૂત્રોથી બીજેપી સરકાર સત્તા કબજે કરવામાં સફળ થઈ છે. હકીકતમાં આજે ગુજરાતની પ્રજા ભયથી ધ્રૂજે છે, ભૂખમરાથી સબડે છે. વિચિત્ર ચાલ, ચરિત્રહીનતા અને બનાવટી ચહેરાવાળા તથા રાજ્ય અને દેશ કરતાં પોતાનો પક્ષ મહાન એવી માન્યતા ધરાવતી બીજેપી રક્ષકના બદલે ભક્ષક બની છે. બીજેપીએ ગરવી ગુજરાતને વરવી ગુજરાત બનાવી છે. બીજેપીના ભ્રષ્ટ શાસકો પાસેથી ગુજરાતને મુક્ત કરાવવા માટે હું ઝઝૂમીશ. ગુજરાતને બીજેપીમાંથી મુક્ત કરાવવા માટે હું ઝઝૂમીશ.’

આ કાર્યક્રમ બાદ ગાંધીનગર ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું, ‘ બીજેપીના સાશનના કારણે રાજ્ય પર ૨.૫ લાખ કરોડનું દેવું છે. પેપ્સીકો અને ખેડૂતોની જે લડત ચાલે છે એમાં પેપ્સીકો અને ખેડૂતોને કહીએ કે ર્કોટ કેસ ન કરે અને કરશે તો પેપ્સીકોને ગુજરાતમાં નો એન્ટ્રી કરીશું. હાલમાં ૧૦,૦૦૦ ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા છે. મોદીસાહેબનું નિવેદન છે કે બંગાળમાં કે ૪૦ જેટલા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, આ કોઈ પણ વડા પ્રધાનને ન શોભે એવું નિવેદન છે જે ન કરાય, પરંતુ મોદીસાહેબે કહ્યું છે. જો મોદીસાહેબના સંપર્કમાં ૪૦ હોય તો બીજેપી અને મહારાષ્ટ્રમાં પણ ધારાસભ્ય દુ:ખી છે. હૉર્સ ટ્રેડિંગ તો ન કરાય. હું તમારા માધ્યમથી કહેવા માગું છું, બીજેપીએ હિસાબ આપવાના બદલે હું ઘરમાં જઈને હિસાબ માગીશ.’

આ પણ વાંચો : આજે મધરાતથી 24 કલાકો ખુલ્લી રહી શક્શે દુકાનો, નીતિન પટેલની જાહેરાત

શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું, ‘આરડીએક્સ ભરેલી ગાડી ગુજરાતના રજિસ્ટ્રેશનવાળી હતી. મારા મતે પુલવામામાં જવાનોને મારી નાખવાનું કાવતરું હતું. પુલવામામાં આતંકવાદીઓ પર જે હુમલો થયો એ પછી બાલાકોટનું કાવતરું હતું. આતંકવાદીઓ મારી નાખવાના હતા એ ખબર હતી તેમ છતાં બીજેપી સરકારે આ થવા દીધું. ઍર-સ્ટ્રાઇક થઈ, બધું થયું, પરંતુ કોઈ મર્યું નથી. તેમના કરતાં મારું લોહી વધારે ગરમ અને કેસરી છે, દેશની પ્રજાને ગુમરાહ કરવાનું કાવતરું છે.’

Gujarat BJP gujarat gandhinagar