વરઘોડામાં થયો પાંચ લાખ રૂપિયાનો વરસાદ

18 February, 2026 08:06 AM IST  |  Banaskantha | Gujarati Mid-day Correspondent

કડી તાલુકાના અગોલ ગામની ઘટનાઃ વરરાજાનાં સગાંઓએ ટેરેસ પરથી ઉડાડેલી નોટો લેવા થઈ પડાપડી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

થોડા દિવસ અગાઉ ઉત્તર ગુજરાતના કડી તાલુકાના અગોલ ગામે નીકળેલી જાનમાં રૂપિયાનો રીતસરનો વરસાદ થયો હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. વરરાજાનાં સગાંઓએ વરઘોડામાં રૂપિયાની છોળો ઉડાડી હતી. એના કારણે ચલણી નોટોને લેવા માટે પડાપડી થઈ હતી. સોશ્યલ મીડિયામાં વરઘોડા પર ચલણી નોટોના વરસાદનો વિડિયો વાઇરલ થયો છે. 

વરરાજનાં સગાંસબંધીઓ ઉત્સાહમાં આવીને, વરરાજાની નજર ઉતારવા માટે તેમ જ ખુશીથી ચલણી નોટો વરરાજાના માથે ફેરવીને ઉછાળે એવી પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આવું જ કંઈક અગોલ ગામે બન્યું જ્યાં કડી તાલુકા પંચાયતના સભ્યના ભત્રીજાનાં લગ્ન હતાં. એમાં વરરાજાનાં સગાંઓએ ચલણી નોટોની છોળો ઉડાડતાં હકડેઠઠ માનવમેદની એકઠી થઈ ગઈ હતી. ગામના ચોકમાં વરઘોડો પહોંચ્યો ત્યારે પરિવારજનો દ્વારા મકાનની ટેરેસ પરથી ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ રૂપિયાની ચલણી નોટો ઉડાડવામાં આવી હતી. કહેવાય છે કે વરરાજાનાં સગાંઓ અને સ્નેહીજનોએ પાંચ લાખ રૂપિયાની ચલણી નોટો ઉછાળી હતી. એના કારણે ગામના ચોકમાં રૂપિયાનો વરસાદ થયો હોય એવો માહોલ સર્જાયો હતો.  

gujarat news gujarat banaskantha viral videos