ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં ઉનાળાનો માહોલ - તાપમાન ૪૦.૧ ડિગ્રી

19 October, 2011 06:53 PM IST  | 

ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં ઉનાળાનો માહોલ - તાપમાન ૪૦.૧ ડિગ્રી

 

ગુલાબી ઠંડી પડવી જોઈએ એને બદલે કાળઝાળ ગરમી શરૂ થતાં છેલ્લા સાડાપાંચ મહિનાનું મૅક્સિમમ ટેમ્પરેચર નોંધાયું

ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર કમલજિત રેએ કહ્યું હતું કે ‘ગ્લોબલ-વૉર્મિંગને કારણે અત્યારે ભળતી જ સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આ અસર ઓસરતાં ૪૮થી ૭૨ કલાક લાગશે અને એ પછી શિયાળાની ઠંડીની શરૂઆત થશે.’

ગુજરાતનું સૌથી ગરમ શહેર ઈડર રહ્યું હતું. ગઈ કાલે ઈડરનું તાપમાન ૪૦.૧ ડિગ્રી હતું; જ્યારે અમરેલીમાં ૪૦, સુરેન્દ્રનગરમાં ૩૯.૭, વડોદરામાં ૩૯.૫, ડીસામાં ૩૯, ભાવનગરમાં ૩૮.૭, નલિયામાં ૩૮.૨, રાજકોટમાં ૩૮, કંડલામાં ૩૭.૯, માંડવીમાં ૩૭.૫, અમદાવાદમાં ૩૭.૪, ગાંધીનગરમાં ૩૭.૨, ભુજમાં ૩૬.૯ અને સુરતમાં ૩૫.૮ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. આ અગાઉ સાડાપાંચ મહિના પહેલાં આ શહેરોમાં આટલું મૅક્સિમમ ટેમ્પરેચર નોંધાયું હતું.

ગુજરાતનું ઍવરેજ મૅક્સિમમ ટેમ્પરેચર ગઈ કાલે ૩૯.૯ ડિગ્રી રહ્યું હતું. ગુજરાતમાં હાલ એકસાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો હોવાથી માંદગીના બનાવોમાં પણ ખાસ્સો વધારો થયો છે. જોકે, મોસમનો આવો મિજાજ થોડાં સમય સુધી જ રહે અને ત્યારબાદ રાબેતા મુજબ ઠંડી પડવાની શરૂઆત થઈ જાય એવી આશા રાખવામાં આવી રહી છે.