ગુજરાતમાં આજથી કાર્તિકી પૂર્ણિમાના મેળાની સીઝન

03 November, 2014 03:37 AM IST  | 

ગુજરાતમાં આજથી કાર્તિકી પૂર્ણિમાના મેળાની સીઝન



ગુજરાતમાં આજથી કાર્તિકી પૂર્ણિમાના મેળાની સીઝન શરૂ થશે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ, સિદ્ધપુર, વૌઠા સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં, પરંતુ કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે આજે યાત્રાધામ શામળાજીમાં વિષ્ણુમંદિરમાં તુલસીવિવાહ યોજાશે.

અમદાવાદ જિલ્લામાં આવેલા વૌઠા ખાતે નદીકિનારે આજથી વૌઠાનો મેળો નામથી પ્રસિદ્ધ લોકમેળો શરૂ થશે. આ લોકમેળાનું ઉદ્ઘાટન આજે ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કરશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાબરમતી, વાત્રક, શેઢી, મેશ્વો, ખારી, હાથમતી અને માઝુમ એમ કુલ સાત નદીના સંગમસ્થાને વૌઠાનો લોકમેળો દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી યોજાય છે. વૌઠાની આસપાસનાં ગામોના નાગરિકો પોતાના પરિવાર સાથે પાંચ દિવસ નદીકિનારે ટેન્ટ બાંધીને રહે છે. સાત નદીઓના સંગમમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે અને ગુજરાતભરમાંથી અહીં લોકમેળામાં નાગરિકો આવે છે.’

પહેલા બે દિવસ એટલે કે અગિયારસ અને બારસના રોજ ગધેડાઓનાં ખરીદ–વેચાણ માટે મોટું માર્કેટ ભરાય છે.

 સિદ્ધપુર નગરપાલિકાનાં પ્રમુખ પ્રજ્ઞા ઠાકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિદ્ધપુરમાં બારસથી લોકમેળો યોજાશે. ૪થી ૧૦ નવેમ્બર સુધી સાત દિવસ લોકમેળો રાત-દિવસ ચાલશે. સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. એવી લોકવાયકા છે કે સિદ્ધપુરની સરસ્વતી નદીમાં ચૌદશની રાતે સરસ્વતી, ગંગા અને યમુના નદીનું સંગમ થાય છે એટલે ચૌદશની રાતે દીવા મૂકવાનું મહત્વ છે. કહેવાય છે કે ચૌદશની રાતે કંઈકેટલાય નાગરિકો પોતાના પિતૃના મોક્ષ માટે દીવા મૂકે છે.’

સિદ્ધપુરનો આ મેળો ઊંટોનાં ખરીદ–વેચાણ માટે પણ જાણીતો છે. અહીં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન સહિત ગુજરાતનાં પાડોશી રાજ્યોમાંથી ઊંટોનાં ખરીદ–વેચાણ માટે વેપારીઓ આવે છે.

જોકે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો બીજી નવેમ્બરથી એટલે કે ગઈ કાલથી શરૂ થયો હતો. ભારતના પ્રથમ જ્યોતર્લિિગ એવા સોમનાથમાં ગોલોકધામના મેદાનમાં આજથી પાંચ દિવસ સુધી લોકમેળો યોજાશે. મેળાનું મુખ્ય આકર્ષણ રાત્રે યોજાતા લોકડાયરાનું છે. પાંચ દિવસ સુધી સોમનાથમાં લોકડાયરાની રમઝટ બોલાશે.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં વિષ્ણુમંદિરમાં કારતક સુદ અગિયારસે આજે તુલસીવિવાહ યોજાશે. મંદિરેથી ઠાકોરજીનો વરઘોડો ધામધૂમથી નીકળશે અને ભગવાનના વિવાહની વિધિ થશે.