ત્રણ ચૂંટણી હારનારાઓ ટિકિટ માટે મળવા પણ ન આવે : કૉન્ગ્રેસ

16 November, 2012 03:33 AM IST  | 

ત્રણ ચૂંટણી હારનારાઓ ટિકિટ માટે મળવા પણ ન આવે : કૉન્ગ્રેસ



ડિસેમ્બર મહિનામાં આવી રહેલા ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં કૉન્ગ્રેસ હાઈકમાન્ડે ક્લિયર કરી નાખ્યું છે કે અગાઉ ત્રણ વિધાનસભા ઇલેક્શનની ટિકિટ મળી હોય અને છતાં હાર્યા હોય એવા એક પણ ઉમેદવારે કૉન્ગ્રેસ હાઈકમાન્ડ પાસેથી ટિકિટની અપેક્ષા રાખીને રૂબરૂ મળવા આવવું નહીં. અગાઉ એક જ ઉમેદવાર પર ત્રણ વાર જુગાર રમી ચુકાયો હોય અને છતાં જીત્યો ન હોય એવી એક પણ બેઠક પર કૉન્ગ્રેસ એ ઉમેદવારને રિપીટ કરવા તૈયાર નથી. આ નીતિના કારણે બન્યું છે એવું કે કૉન્ગ્રેસના સિનિયર નેતા નરહરિ અમીન અને કાશ્મીરા નથવાણીને પણ ટિકિટ આપવામાં નથી આવવાની. કૉન્ગ્રેસના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે ‘નવું ઇલેક્શન છેક ૨૦૧૭માં આવશે અને કૉન્ગ્રેસ હવે કોઈ રાહ જોવા તૈયાર નથી અને એટલે જ એ ટિકિટ માટે સંબંધો પણ ધ્યાનમાં રાખવા તૈયાર નથી. ત્રણ વખત વિધાનસભા ઇલેક્શન હાર્યા હોય એવા ૧૭ લોકોને કાપવામાં આવ્યા છે. એ ઉમેદવારોને કાપવાની સૂચના દિલ્હીથી આવી હતી, જેનો અમલ થયો છે.’

કૉન્ગ્રેસે જેમ હવે ફ્રેશ ઉમેદવાર પર ધ્યાન આપવાનું નક્કી કરી લીધું છે એનાથી બિલકુલ વિપરીત રીતે બીજેપીએ વીસ નેતાઓ માટે નો-રિપીટ થિયરીનો અમલ કરવાનું કૅન્સલ કયુર્ છે, જેને કારણે આનંદીબહેન પટેલ, વજુભાઈ વાળા, દિલીપ સંઘાણી, રમણભાઈ વોરા, નીતિન પટેલ જેવા નેતાઓને આ વખતે બીજેપી મેદાનમાં ઉતારી શકશે.

અમિત શાહને ટિકિટ મળશે?

સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ ફેક એન્કાઉન્ટર કેસમાં ચાર્જશીટનો સામનો કરી રહેલા ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અમિત શાહને ટિકિટ આપવી કે નહીં એ બાબતમાં પાર્ટી આખી મૂંઝવણમાં છે. અધૂરામાં પૂરું, આ મૂંઝવણમાં વધારો અમિત શાહે પણ કર્યો છે. શનિવારે અમિત શાહે ઑફિશ્યલી એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે જો પાર્ટી ટિકિટ આપશે તો તે આ ઇલેક્શન લડવા તૈયાર છે. અમિત શાહના આ સ્ટેટમેન્ટથી હવે જો ટિકિટ ન આપવામાં આવે તો એવું પુરવાર થાય એમ છે કે અમિત શાહને ટિકિટ આપવાની ઇચ્છા પાર્ટીની નથી અને પાર્ટી નથી ઇચ્છતી કે કાર્યકરોમાં આવો કોઈ મેસેજ વહેતો થાય. આ જ કારણે ગઈ કાલે રાતે બીજેપીના કેટલાક સિનિયર આગેવાનો અમિત શાહને મળવા રૂબરૂ ગયા હતા અને તેમને સમજાવવા કોશિશ કરી હતી.