ગુજરાત ગાદીયુદ્ધ : પહેલા તબક્કામાં રેકોર્ડ-બ્રેક 68 ટકા મતદાન

13 December, 2012 03:09 AM IST  | 

ગુજરાત ગાદીયુદ્ધ : પહેલા તબક્કામાં રેકોર્ડ-બ્રેક 68 ટકા મતદાન





ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં ગઈ કાલે ૮૭ બેઠકો પર ૬૮ ટકા જેટલું મતદાન થયું હતું, જે ૨૦૦૭ની વિધાનસભા કરતાં એકંદરે ૧૫ ટકા જેટલું વધારે રહ્યું હતું. ૨૦૦૭માં ફસ્ર્ટ ફેઝમાં ૫૩ ટકા વોટિંગ થયું હતું. સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીના મતદાનમાં સામાન્ય રીતે સાંજે સાત વાગ્યા સુધીમાં પાક્કા આંકડા આવી જતા હોય છે, પણ ગઈ કાલે જે રીતે ભારે માત્રામાં મતદાન થયું એ જોઈને બૂથ અધિકારીઓ આંકડાઓ આપવા માટે ઇલેક્શન કમિશન પાસે રાતના દસ વાગ્યા સુધીનો સમય માગવો પડ્યો હતો, જે આપવામાં આવ્યો હતો. ગુજરાતનાં ચીફ ઇલેક્શન ઑફિસર અનીતા કરવાલે કહ્યું હતું કે ‘ફર્સ્ટ ફેઝમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. ગુજરાતના જૂનાગઢ જિલ્લાના સાંઠી અને સુરેન્દ્રનગર જિલ્લાના પાવડી ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો, પણ અધિકારીઓની સમજાવટ પછી અગિયાર વાગ્યે મતદાન શરૂ થઈ ગયું હતું.’

૦.૦૦૧ ટકા ઈવીએમ ખરાબ

ગઈ કાલના મતદાન દરમ્યાન ગુજરાતભરમાં કુલ ૨૧,૨૬૧ મૂકવામાં આવ્યાં હતાં, જેમાંથી ૨૧૪ ઈવીએમમાં ટેક્નિકલ ખામી નીકળી હતી, જેને તાત્કાલિક બદલામાં આવ્યાં હતાં. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો ગઈ કાલના વોટિંગ દરમ્યાન માત્ર ૦.૦૦૧ ટકા ઈવીએમ ખરાબ નીકળ્યાં હતાં.

બોગસ વોટિંગની ફરિયાદોનો દોર પણ ગઈ કાલે સતત ચાલુ રહ્યો હતો. ગઈ કાલે મતદાનના સમય દરમ્યાન ગુજરાત પોલીસ અને ઇલેક્શન ઑફિસરને અંદાજે ૧૧,૭૦૦ જેટલી બોગસ વોટિંગની ફરિયાદ મળી હતી. જોકે આ ફરિયાદમાંથી માત્ર ૧૧૪ ફરિયાદને વૅલિડ ગણીને ૧૨૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

ઉમેદવારના મૃત્યુની અફવા ફેલાઈ

અમદાવાદ જિલ્લાના વિરમગામ બેઠક માટે યોજાયેલા મતદાન દરમ્ય્ન કોઈ ઉમેદવારના મૃત્યુની અફવા ચાલી હતી. પાછળથી ખબર પડી કે કોઈ ઉમેદવાર નહીં પણ એક મતદારનું મૃત્યુ થયું હતું. માંડલ ગામના એક મતદાર મતદાન કરીને મતદાન મથકમાંથી બહાર આવ્યા બાદ ચોકમાં પહોંચ્યા ત્યારે અચાનક તેમનું મૃત્યુ થયું હતું.

ક્યાં કેટલું વોટિંગ?

જિલ્લાની દૃષ્ટિએ ગઈ કાલે ગુજરાતમાં સૌથી હાઇએસ્ટ મતદાન દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં થયું હતું. તાપીમાં કુલ ૭૨.૯૯ ટકા મતદાન થયું હતું, જ્યારે સૌથી ઓછા મતદાનમાં સૌરાષ્ટ્રના જામનગરનો નંબર સૌથી ઉપર રહ્યો હતો. જામનગર જિલ્લાનું સરેરાશ મતદાન માત્ર ૬૩ ટકા જેટલું રહ્યું હતું. અન્ય જિલ્લામાં રાજકોટમાં ૬૮.૮ ટકા, અમરેલીમાં ૬૫.૬ ટકા, પોરબંદરમાં ૬૩.૫ ટકા, જૂનાગઢમાં ૬૫ ટકા, સુરેન્દ્રનગરમાં ૬૫ ટકા, અમદાવાદ (રુરલ)માં ૬૬.૮ ટકા, વલસાડમાં ૬૭ ટકા, સુરતમાં ૬૪ ટકા, ભરૂચમાં ૬૭.૬ ટકા, ભાવનગરમાં ૬૮ ટકા, નર્મદામાં ૭૧.૮ ટકા, નવસારીમાં ૭૨ ટકા અને ડાંગ જિલ્લામાં ૬૩ ટકા મતદાન થયું હતું. વ્યક્તિગત બેઠકની દૃષ્ટિએ ગઈ કાલના વોટિંગમાં રાજકોટ જિલ્લાનું જસદણ સૌથી આગળ રહ્યું હતું. જસદણ બેઠક પર ૭૯ ટકા મતદાન થયું હતું તો ગોંડલમાં ૭૬ ટકા મતદાન થયું હતું. ગઈ કાલના મતદાનમાં પ્રથમ તબક્કામાં આવતાં કુલ ૨૦૭ ગામડાંઓએ સો ટકા મતદાન કર્યું હતું.

૧૧૯ વર્ષનાં માજીએ વોટ આપ્યો

‘હાલો મત આપવા જાઉં છે, લઈ જાઓ મને’- મહુવા તાલુકાના સરેરા ગામનાં ૧૧૯ વર્ષનાં વયોવૃદ્ધ સંતોકમાએ ગઈ કાલે ઘરમાં આમ કહ્યું ત્યારે આયુષ્યની સદી વટાવી ચૂકેલાં આ માજીને ઊંચકીને મતદાનમથકે લવાયાં હતાં. ૩૫૦૦ની વસ્તી ધરાવતું સરેરા ગામ નવા સીમાંકન બાદ ગારિયાધાર બેઠકમાં આવ્યું છે. ગામના મતદાનકેન્દ્રમાં ૧૧૯ વર્ષનાં વયોવૃદ્ધાને મતદાન કરવા આવેલાં જોઈને બીજા મતદારોને પણ પોરસ ચડ્યું હોય એમ સવાર-સવારમાં જ પ્રથમ બે કલાકમાં ૩૦થી ૩૨ ટકા વોટિંગ થયું હતું.


જિલ્લાવાર મતદાનની પરિસ્થિતિ ટકાવારીમાં (સરેરાશ 68%)


અમદાવાદ - 66.8
સુરેન્દ્રનગર - 68
રાજકોટ - 68.8
જામનગર - 63
પોરબંદર - 63.5
જુનાગઢ - 67
અમરેલી - 65.6
ભાવનગર - 68
નર્મદા - 71.8
ભરૂચ - 67.5
સુરત - 64
ડાંગ - 66
નવસારી - 72
વલસાડ - 67
તાપી - 76