તમામ એક્ઝિટ પોલનો એક જ સૂર મોદી જીતની હૅટ-ટ્રિક કરશે

18 December, 2012 03:29 AM IST  | 

તમામ એક્ઝિટ પોલનો એક જ સૂર મોદી જીતની હૅટ-ટ્રિક કરશે



ગુજરાત વિધાનસભાના સેકન્ડ ફેઝનું વોટિંગ પૂરું થયા પછી ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યાથી ટીવી ચૅનલ પર શરૂ થયેલા તમામ એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદી અને બીજેપીનો જયજયકાર વર્ણવવામાં આવ્યો હતો અને ટીવી૯ ગુજરાત, ઇન્ડિયા ટીવી તથા એબીપી ન્યુઝે દાવો કર્યો હતો કે ગુજરાતમાં મોદી સરકાર ગઈ ટર્મ કરતાં વધુ બેઠક સાથે સરકાર બનાવશે. ૨૦૦૭ના વિધાનસભા ઇલેક્શનમાં ગુજરાતમાં બીજેપીને ૧૧૭ બેઠક મળી હતી, પણ ટીવી ચૅનલના દાવા મુજબ આ વિધાનસભામાં ગુજરાત બીજેપી એ જૂના આંકડાને પાર કરીને ૧૧૯થી ૧૨૯ બેઠક પર જીત મેળવશે. ઇન્ડિયા ટીવીએ તો એવો દાવો પણ કર્યો હતો કે ૧૮૨ બેઠક ધરાવતી ગુજરાત વિધાનસભામાં બીજેપી ૧૨૯ બેઠક પર ચોક્કસપણે જીતશે અને આ જીતનો આંકડો ૧૪૨ બેઠક સુધી પહોંચે એવી શક્યતા છે. ચૅનલે એવો દાવો પણ કર્યો હતો કે ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં આ વખતે યંગસ્ટર્સ અને મહિલાઓએ બીજેપીને ધ્યાનમાં રાખીને નહીં, પણ સંપૂર્ણપણે નરેન્દ્ર મોદીની ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે. એબીપી ન્યુઝના એક્ઝિટ પોલમાં પણ કંઈક આવું જ તારણ નીકળ્યું હતું. ચૅનલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો જનાધાર ૭ ટકા જેટલો વધ્યો છે, જેને કારણે બીજેપીને ગઈ ટર્મ કરતાં ૯ કે ૯થી વધુ બેઠક મળશે.

ક્યાં-ક્યાં બીજેપીને ફાયદો થશે?

ત્રણ ટીવી ચૅનલના એક્ઝિટ પોલના આંકડા મુજબ બીજેપી અને નરેન્દ્ર મોદીને સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જબરદસ્ત ફાયદો થશે. આ વિસ્તારમાં બીજેપીનો જનાધાર અંદાજે ૭થી ૧૨ ટકા જેટલો વધ્યો છે. એબીપી ન્યુઝ અને નેલ્સન નામની સંસ્થાના એક્ઝિટ પોલ મુજબ બીજેપીને દક્ષિણ ગુજરાતમાં ગઈ ટર્મમાં કુલ ૨૬ બેઠક મળી હતી, પણ આ વખતે આ વિસ્તારમાં બીજેપીને ૪૦થી વધુ બેઠક મળે એ પ્રકારનો સિનારિયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં નરેન્દ્ર મોદીની સામે કેશુભાઈ પટેલની જીપીપી આડખીલીરૂપ કામ કરતી હતી, પણ મતદાનમાં એણે કોઈ અસર ઊભી કરી નથી અને બીજેપી આ વિસ્તારની ૫૮ બેઠકમાંથી ૪૬થી વધુ બેઠક પર વિજયી બને એવી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ બીજેપીનો વાવટો અકબંધ છે. ઉત્તર ગુજરાતમાં બીજેપી આ ટર્મના ઇલેકશનમાં ૨૫થી વધુ બેઠક જીતે એવા ચાન્સિસ છે. મધ્ય ગુજરાતના જે કોઈ આંકડાઓ એક્ઝિટ પોલે આપ્યા છે એ બીજેપીને દુ:ખ આપનારા છે. બીજેપી મધ્ય ગુજરાતમાં નુકસાન કરે એવા ચાન્સિસ સર્વેમાં જોવા મળ્યાં છે. તમામ ચૅનલે એક સૂર સાથે કહ્યું છે કે મધ્ય ગુજરાતમાં બીજેપી પાસે ગઈ ટર્મમાં ૩૭ બેઠક હતી, પણ ૨૦૧૨ના ઇલેક્શનમાં આ વિસ્તારમાં નરેન્દ્ર મોદી ૨૬થી વધુ બેઠક મેળવી શકે એવી શક્યતા ઓછી છે. મધ્ય ગુજરાતના લોકોનું માનવું છે કે તેમના વિસ્તારમાં બીજેપી સરકારે ખાસ ધ્યાન આપ્યું નથી અને સમગ્ર ગુજરાતની સરખામણીમાં આ વિસ્તારમાં વિકાસનાં કાર્યો ઓછાં થયાં છે.

અપક્ષ અને કૉન્ગ્રેસને ફટકો

૨૦૦૭માં કૉન્ગ્રેસને ગુજરાત ઇલેક્શનમાં ૫૯ સીટ મળી હતી, પણ ૨૦૧૨ના ઇલેક્શનના એક્ઝિટ પોલ મુજબ આ વર્ષે કૉન્ગ્રેસ ઓછામાં ઓછી ૫ અને વધુમાં વધુ ૨૦ બેઠક ગુમાવે એવી શક્યતા છે. વિધાનસભામાં સૌથી મોટું ફૅક્ટર કેશુભાઈ પટેલ ઊભું થયું હતું, પણ કેશુભાઈ પટેલની જીપીપીને માંડ ચાર બેઠક મળે એવા ચાન્સિસ એક્ઝિટ પોલમાં દેખાડવામાં આવ્યા છે જ્યારે અન્ય અપક્ષ ઉમેદવારના ભાગે એક જ બેઠક ગણવામાં આવી રહી છે.

એક્ઝિટ પોલ ખોટા : કેશુભાઈ

ગઈ કાલે મતદાન પૂર્ણ થયા પછી શરૂ થયેલા તમામ એક્ઝિટ પોલમાં બીજેપીની જીત વર્ણવવામાં આવતી હતી એ જોઈને જીપીપીના કેશુભાઈ પટેલ ઉશ્કેરાઈ ગયા હતા. કેશુભાઈ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટીવીવાળા બધા ખોટાડા છે. છ કરોડની જનતા ગુજરાતમાં છે ત્યારે છસ્સો જણને પૂછીને આવા ખોટા સર્વે મૂકી દે એ ન્યાયની વાત નથી.’

ગુજરાત કૉન્ગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ પણ આ તમામ એક્ઝિટ પોલને નરેન્દ્ર મોદીની માર્કેટિંગ સ્ટ્રૅટેજી ગણાવી હતી અને કહ્યું હતું કે ‘થ્રી-ડી સભા, હેલિકોપ્ટરમાં ઊડાઊડ કરવું અને હવે આ રીતે ટીવી ચૅનલને ખોટી રીતે ગેરમાર્ગે દોરવવાનું કામ પૈસાના જોરે થઈ શકે છે.’

એબીપી = આનંદ બઝાર પત્રિકા