ત્રણેય પાર્ટીના પ્રમુખોના ભવિનો મદાર સૌરાષ્ટ્ર પર

20 December, 2012 04:47 AM IST  | 

ત્રણેય પાર્ટીના પ્રમુખોના ભવિનો મદાર સૌરાષ્ટ્ર પર



રશ્મિન શાહ

રાજકોટ, તા. ૨૦

આજે ગુજરાત વિધાનસભાના ઇલેક્શનના રિઝલ્ટમાં સૌરાષ્ટ્ર બહુ મહત્વનો ફાળો ભજવવાનું છે ત્યારે ગુજરાતની ત્રણ સૌથી મહત્વની એવી પૉલિટિકલ પાર્ટીના પ્રમુખપદની બાબતમાં પણ આજે સૌરાષ્ટ્ર બહુ અગત્યનો ભાગ ભજવશે. ગુજરાત વિધાનસભાના આ ઇલેક્શનમાં જીપીપી, કૉન્ગ્રેસ અને બીજેપીના પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી જ ઇલેક્શન લડી રહ્યા છે. ગુજરાતના સૌથી મહત્વના પક્ષ એવા બીજેપીના પ્રમુખ આર. સી. ફળદુ જામનગર (ગ્રામ્ય) બેઠક પરથી ઇલેક્શન લડે છે તો કૉન્ગ્રેસ-પ્રેસિડન્ટ અજુર્ન મોઢવાડિયા પોરબંદરમાંથી અને જીપીપીના પ્રમુખ કેશુભાઈ પટેલ જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી ઇલેક્શન લડી રહ્યા છે. આ ત્રણેય પાર્ટીના પ્રેસિડન્ટને આજે અન્ય ઉમેદવાર કરતાં ડબલ ટેન્શન છે. એક તો તેમણે પોતાની પાર્ટીના પરિણામની પણ ચિંતા કરવાની છે તો સાથોસાથ પોતાની બેઠકની પણ ચિંતા કરવાની છે. પોતે જીતશે પણ જો પાર્ટીનું પરિણામ નબળું આવશે તો પણ આ પ્રમુખે રાજીનામું આપવું પડે એવો ઘાટ સર્જાશે અને જો પાર્ટીનું રિઝલ્ટ સારું આવે, પણ જો તે હારી જાય તો પણ તેમણે નૈતિકતાપૂર્વક રાજીનામું આપવાનું છે.

આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ગુજરાતમાં કઈ સરકાર રાજ કરશે એ સૌરાષ્ટ્ર નક્કી કરશે એવી જ રીતે ગુજરાતની મહત્વની એવી આ ત્રણ પાર્ટીઓમાંથી કઈ પાર્ટીના નેતા ઘરે બેસશે એ પણ આજે સૌરાષ્ટ્ર નક્કી કરશે.