વિધાનસભા ઇલેક્શનનો દલિતોએ કર્યો બહિષ્કાર

13 November, 2012 06:05 AM IST  | 

વિધાનસભા ઇલેક્શનનો દલિતોએ કર્યો બહિષ્કાર

ગુજરાત દલિત સમાજે એવા દાવા સાથે બહિષ્કાર કર્યો હતો કે ઇલેક્શન દરમ્યાન બીજેપી અને કૉન્ગ્રેસ દલિતોને ખોટા વાયદાઓ દેખાડે છે, પણ ઇલેક્શન પૂરું થયા પછી દલિતોની સાથે ફરીથી એવો જ વ્યવહાર કરવામાં આવે છે જેવો આઝાદી પહેલાં થતો હતો. ગુજરાત દલિત સમાજના જૉઇન્ટ સેક્રેટરી નિરંજનભાઈ પરમારે કહ્યું હતું કે ‘બીજેપી અને કૉન્ગ્રેસની સાથે અમે તે બધા દલિત નેતાઓનો પણ બહિષ્કાર કરીએ છીએ, જે લોકો અમારા નામે ટિકિટ લઈ આવે છે. તે નેતાઓ અમારા નામે પોતાના ઘરે ભરે છે.’

ગુજરાત દલિત સમાજે ગઈ કાલે જાહેરમાં પોતાનો વિરોધ વ્યક્ત કરતાં ગુજરાતના છવ્વીસ જિલ્લાનાં જિલ્લા મથકો પર ધરણાં પણ કર્યા હતાં અને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉન્ગ્રેસનાં ચૅરપર્સન સોનિયા ગાંધીના મુખવટાઓ સાથે શેરી નાટકો પણ કર્યા હતાં. ગુજરાતમાં દલિતોની વસ્તી ૧૦.૦૯ ટકાની છે, જે વસ્તીની ગણતરીએ ચોથા નંબરની સૌથી મોટી વસ્તી છે. આટલી મોટી સંખ્યાની વસ્તી જો ઇલેક્શનનો બહિષ્કાર કરે તો સ્વાભાવિકપણે પૉલિટિકલ પાર્ટી માટે ટેન્શન ઊભું થાય. આ જ કારણે ગઈ કાલે જેવી ઇલેક્શન બહિષ્કારની જાહેરાત થઈ કે તરત જ બીજેપી, કૉન્ગ્રેસ અને જીપીપીના નેતાઓ દલિત સમાજના અગ્રણીઓ સાથે મીટિંગ કરવામાં બિઝી થઈ ગયા હતા.