શું કૉન્ગ્રેસ હોત તો અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બન્યું હોત?

19 November, 2022 11:28 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

યોગી આદિત્યનાથે ગુજરાતમાં વાંકાનેર, ઝઘડિયા અને સુરતમાં કૉન્ગ્રેસ પર વાક્પ્રહાર કરી સભાઓ ગજવી ઃ યોગી આદિત્યનાથની સભામાં શણગારેલાં બુલડોઝર બન્યાં આકર્ષણનું કેન્દ્ર

વાંકાનેરમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સભા યોજાઈ હતી.


અમદાવાદ : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે ગુજરાતમાં વાંકાનેર, ઝઘડિયા અને સુરતમાં કૉન્ગ્રેસ પર વાક્પ્રહાર અને આક્ષેપ કરીને સભાઓ ગજવતાં કહ્યું હતું કે ‘શું કૉન્ગ્રેસ હોત તો અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બન્યું હોત?’
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગઈ કાલથી બીજેપીએ ૮૨ બેઠક પર એકસાથે પ્રચારકાર્ય શરૂ કર્યું છે, એમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે વાંકાનેર, ઝઘડિયા અને સુરતમાં ચોર્યાસી વિધાનસભા બેઠક પર સભાઓ સંબોધી હતી. બાબા-બુલડોઝર નામથી જાણીતા થયેલા યોગી આદિત્યનાથના સ્વાગત માટે વાંકાનેરમાં એન્ટ્રી-ગેટ પર ફૂલોથી સજાવેલાં ત્રણ જેસીબી મૂકવામાં આવ્યાં હતાં. યોગી આદિત્યનાથની સભામાં શણગારેલાં બુલડોઝર આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. સભાસ્થળે મોટાં બૅનર્સની જગ્યાએ હારથી શણગારેલાં બુલડોઝર મૂક્યાં હતાં. બીજેપી દ્વારા લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરાયો હતો. લોકોએ બુલડોઝરમાં બેસીને સેલ્ફી લીધી હતી અને ફોટો પડાવ્યા હતા.
યોગી આદિત્યનાથે મોરબી-દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સભાને સંબોધી હતી. ત્યાર બાદ તેમણે ઝઘડિયા અને સુરતના ચોર્યાસી વિસ્તારમાં સભાને સંબોધી હતી. યોગી આદિત્યનાથે સભાને સંબોધતાં કૉન્ગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર-નિર્માણ કાર્યનો પ્રારંભ થયો, કાશીમાં કાશી-વિશ્વનાથધામ ભવ્ય રૂપમાં જોવા મળે છે. કાશીમાં આવો, કાશી વિશ્વનાથધામનાં દર્શન કરો. ‘મોદી હૈ તો મુમકિન હૈ’ આને કહે છે. શું કૉન્ગ્રેસ હોત તો અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની ગયું હોત?, શું કૉન્ગ્રેસના રહેતાં કાશીમાં ભગવાન વિશ્વનાથનું ધામ ભવ્ય રૂપને પ્રાપ્ત કરત? વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે આવનારા દિવસોમાં રાષ્ટ્રમંદિર બની રહેશે. બીજેપી સરકારના રાજમાં ગુજરાત દેશ અને દુનિયામાં મૉડલ રાજ્ય બન્યું છે ત્યારે ફરી એકવાર બીજેપીની સરકાર બનાવીએ.’ 

gujarat election 2022 gujarat elections yogi adityanath