બંગાળી બાબાઓને છોડો; સચોટ ભવિષ્ય માટે મળો દિલ્હીવાલે બાબાને

29 November, 2022 09:02 AM IST  |  Ahmedabad | Kiran Joshi

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને બીજો પણ એક શોખ તેઓ ધરાવે છે-ભવિષ્યવાણી કરવાનો

ફાઇલ તસવીર

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને પોતે ઇમાનદાર છે (અને બાકી બધા ચોર છે) એવું કહેતા ફરવાનો શોખ છે. બીજો પણ એક શોખ તેઓ ધરાવે છે-ભવિષ્યવાણી કરવાનો. ૨૦૨૦ની દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં તેમણે ભવિષ્યવાણી કરી હતી કે કૉન્ગ્રેસ એક પણ સીટ નહીં જીતે. ચાલુ વર્ષે પંજાબની ચૂંટણીવેળા તેમણે કહેલું કે પંજાબના કૉન્ગ્રેસી મુખ્ય પ્રધાન ચન્નીસાહેબ પોતાની બન્ને બેઠક પરથી ચૂંટણી હારી જશે. 

કેજરીવાલના નસીબજોગે (અને કૉન્ગ્રેસના કમનસીબજોગે) તેમની આ બન્ને આગાહીઓ સાચી પડી હતી. સળંગ બે બોલમાં બે સિક્સર માર્યા પછી ફાટફાટ કૉન્ફિડન્સમાં આવી જતા બૅટ્સમેનની જેમ બે ભવિષ્યવાણી સાચી પડ્યા બાદ કેજરીવાલ પણ ટોટલ ફૉર્મમાં આવી ગયા છે. આજકાલ તેઓ ધડાધડ આગાહીઓ કરવા માંડ્યા છે. તેમણે કરેલી એક આગાહી પ્રમાણે દિલ્હી મ્યુનિસિપાલિટીની આવતા મહિને યોજાનારી ચૂંટણીમાં બીજેપીને કુલ ૨૫૦માંથી ૨૦ કરતાં ઓછી બેઠક મળશે. તેમની આગાહી નં.૨ મુજબ ગુજરાતમાં કૉન્ગ્રેસ પાંચ કરતાં ઓછી બેઠક જીતશે.
એમ તો ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે અમિત શાહે ૧૫૦ કરતાં વધુ સીટ જીતવાનો દાવો કર્યો હતો. સી.આર.પાટીલ તો હમણાં સુધી તમામ ૧૮૨ બેઠક જીતવાની વાતો કરતા હતા, પણ શાહ અને પાટીલની આગાહીઓ મૌખિક સ્વરૂપની હોય છે; જ્યારે કેજરીવાલ તો બાકાયદા પેન વડે કાગળમાં લખીને જ આગાહી કરવા માંડ્યા છે. આગળ જતાં તેઓ નોટરાઇઝ્ડ આગાહીઓ કરે તો પણ નવાઈ નહીં. 

કેજરીવાલ એજ્યુકેટેડ રાજકારણી છે, એટલે તેમણે બીજેપીની અને આપની કેટલી સીટ આવશે એ વિશેનો સવાલ હવામાં ઉડાડી દીધો. વેલ, કેજરીવાલની આગાહી મુજબ કૉન્ગ્રેસની પાંચ કરતાં ઓછી એટલે કે વધુમાં વધુ ચાર સીટ આવે તો બાકીની ૧૭૮ બેઠકનું શું? બાકી બચેલી ૧૭૮ બેઠકમાં જો આપ ગુજરાત વિધાનસભાની અગાઉની ચૂંટણી જેટલી જ બેઠક જીતી લાવે તો બીજેપી સામે મુશ્કેલીઓનો માઉન્ટ એવરેસ્ટ ખડો થઈ જશે. વિધાનસભામાં શાસક પક્ષ હંમેશાં જમણી બાજુએ બેસતો હોય છે. જો કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડશે તો બીજેપીવાળા પોતાના ૧૭૮ જેટલા અધધધ ધારાસભ્યોને વિધાનસભામાં જમણી તરફ બેસાડવાની વ્યવસ્થા કેવી રીતે કરશે?

gujarat gujarat news gujarat elections gujarat election 2022 aam aadmi party arvind kejriwal