કચ્છના અબડાસાની બેઠક પર બેની લડાઈમાં ત્રીજો ફાવશે એવી શક્યતા

11 December, 2012 08:14 AM IST  | 

કચ્છના અબડાસાની બેઠક પર બેની લડાઈમાં ત્રીજો ફાવશે એવી શક્યતા



ત્રિકોણિયો જંગ : અબડાસા બેઠક પરના બીજેપીના ઉમેદવાર જયંતી ભાનુશાલી, કૉન્ગ્રેસના છબીલ પટેલ અને જીપીપીના ઉમેદવાર મહેશસિંહજી સોઢા.



દેશના સૌથી મોટી જિલ્લા કચ્છના સૌથી મોટા તાલુકા એવા અબડાસાના ઇલેક્શનમાં આ વખતે કંઈક ભળતું જ પરિણામ આવે એવી દહેશત બીજેપી અને કૉન્ગ્રેસ બન્ને ધારી રહી છે. બીજેપીએ અબડાસા બેઠક માટે પોતાના ચાલુ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાલીને ટિકિટ આપી છે, પણ કચ્છ-બીજેપીમાં ચાલતા અનેક વિખવાદો વચ્ચે પક્ષના જ અમુક સિનિયર આગેવાન જયંતીભાઈને આ બેઠક પર હરાવવાના પ્રયાસો કરી રહ્યા છે તો સામા પક્ષે કૉન્ગ્રેસના ઉમેદવાર છબીલભાઈ પટેલ આયાતી ઉમેદવાર હોવાને કારણે પક્ષના સ્થાનિક કાર્યકરોનો સાથ નથી. આ ઉપરાંત કૉન્ગ્રેસના સ્થાનિક કાર્યકરોએ આ બેઠક માટે ક્ષત્રિય ઉમેદવારની માગણી કરી હતી, પણ ક્ષત્રિયને ટિકિટ નહીં અપાતાં કચ્છના ક્ષત્રિય સમાજે સત્તાવાર રીતે મીટિંગ કરીને ઇલેક્શનમાં જે બેઠક પર ક્ષત્રિય ઉમેદવાર હોય એ જ ઉમેદવારને ટેકો આપવા અને મતદાન કરવાનો ઑફિશ્યલ ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવનો સીધો લાભ અબડાસા બેઠકના જીપીપીના ઉમેદવાર મહેશસિંહજી સોઢાને મળી રહ્યો છે. મહેશસિંહજી સોઢા ક્ષત્રિય સમાજના આગેવાન છે અને કૉન્ગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર અત્યારે ખુલ્લેઆમ જીપીપીના આ કૅન્ડિડેટ માટે પ્રચાર કરી રહ્યા છે. 

૧,૯૪,૭૨૯ કુલ મતદાર ધરાવતી અબડાસા બેઠકમાં સૌથી વધુ વોટર્સ મુસ્લિમ જ્ઞાતિના છે. ૫૧,૩૮૫ મતદારો મુસ્લિમ મતદારો ધરાવતી આ બેઠક પર બીજા નંબરે ક્ષત્રિય જ્ઞાતિ છે, જેમના ૪૭,૧૯૯ મતદારો છે ક્ષત્રિય કોળી જ્ઞાતિના ૧૩,૪૧૦ વોટર્સ છે. આ બેઠક પર મહત્વનું યોગદાન આપી શકે એવી જો કોઈ બીજી જ્ઞાતિ હોય તો એ દલિત છે. દલિતના ૩૦,૮૫૭ મતદારો સામાન્ય રીતે કૉન્ગ્રેસ પક્ષે રહ્યા છે, પણ તેમની મતદાનની ટકાવારી માંડ એકથી પાંચ ટકા વચ્ચે રહી છે. આ જ કારણે આ વખતે જ્યારે કૉન્ગ્રેસથી ક્ષત્રિય સમાજ નારાજ છે ત્યારે કૉન્ગ્રેસના ઉમેદવાર છબીલભાઈ પટેલ કોળી મતદારો અને મતવિસ્તારમાં આવેલા ૨૭,૦૫૧ પાટીદાર મતદારો પર મદાર બાંધી રહ્યા છે.’

જયંતીભાઈ કહે છે, ‘આ બેઠક પરથી ૨૦૦૭માં ૧૧,૦૧૨ મતની લીડથી જીત્યા પછી નવા સીમાંકનમાં પણ મને અબડાસાનું મેન્ડેટ આપવામાં આવ્યું એ દેખાડે છે કે પાર્ટીને મારા પર વિશ્વાસ છે. આ વિશ્વાસ આવતા દિવસોમાં બધાની સામે ક્લિયર થઈ જશે.’

ખરાખરીના આ જંગમાં સૌથી અકળ માનસિકતા અત્યારે મતદારોની છે. મતદારોના મનમાં શું ચાલે છે એ તો વીસમી તારીખની સાંજે જ ખબર પડવાની છે.