૨૦ ડિસેમ્બર પહેલાં દિવાળી ઊજવી તો તમને મારા સમ : શંકરસિંહ

07 November, 2012 06:24 AM IST  | 

૨૦ ડિસેમ્બર પહેલાં દિવાળી ઊજવી તો તમને મારા સમ : શંકરસિંહ



ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં થનારા વિધાનસભા ઇલેક્શન માટે ગુજરાતમાં બીજેપી, કૉન્ગ્રેસ અને જીપીપીએ જોરશોરથી કૅમ્પેન શરૂ કરી દીધાં છે અને કાર્યકરોને કામે લાગી જવાનું આહ્વાન આપવા માંડ્યું છે. જોકે ત્રણેય પાર્ટીને અત્યારે જો કોઈ સૌથી મોટું ટેન્શન હોય તો એ આવતા વીકથી શરૂ થતા દિવાળીના તહેવારોની છે. ગઈ કાલે જૂનાગઢમાં રાખવામાં આવેલા કૉન્ગ્રેસ કાર્યકર્તાઓના મહાસંમેલનમાં તો ગુજરાત કૉન્ગ્રેસના સિનિયર નેતા અને ઇલેક્શન કૅમ્પેન કમિટીના ચૅરમૅન શંકરસિંહ વાઘેલાએ તો કૉન્ગ્રેસના કાર્યકર્તાઓને મીઠી ધમકી આપતાં સ્ટેજ પરથી જ કહી દીધું કે ‘આવતા અઠવાડિયે જે આવે છે એ જનરલ દિવાળી છે. આપણી, કૉન્ગ્રેસની દિવાળી વીસમી ડિસેમ્બરે છે એટલે કોઈએ આ દિવાળી ઊજવવી નહીં અને એ પછી પણ આ દિવાળી ઊજવી છે તો તમને સૌને મારા સમ છે...’

ગુજરાત કૉન્ગ્રેસમાં અત્યારે અંદર ખાને તેમના પક્ષના મુખ્ય પ્રધાન માટે નામની બાબતમાં મતમતાંતર ચાલી રહ્યા છે. પાર્ટીના મોટા ભાગના જુનિયર નેતાઓ શંકરસિંહ વાઘેલાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવું ઇચ્છે છે જ્યારે દિલ્હીસ્થિત નેતાઓ શંકરસિંહ વાઘેલાને સ્થાને હવે શક્તિસિંહ ગોહિલના નામની વિચારણા કરી રહ્યા છે. આ બાબતમાં શંકરસિંહ વાઘેલાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અત્યારે રાજ્યાભિષેકનો ટાઇમ નથી, અત્યારે જંગ જીતવાનો સમય છે. જંગ જીત્યા પછી રાજ્યાભિષેકની વાતો કરવી જોઈએ.’