વિજયાદશમીને દિવસે મોદી જાહેર કરશે બીજેપીના ઉમેદવારોનાં નામ

05 October, 2012 03:06 AM IST  | 

વિજયાદશમીને દિવસે મોદી જાહેર કરશે બીજેપીના ઉમેદવારોનાં નામ



રશ્મિન શાહ

રાજકોટ, તા.૫

ઇલેક્શન ઍનાઉન્સ થતાંની સાથે ગુજરાતમાં મહત્વની એવી ત્રણેય પાર્ટી બીજેપી, કૉન્ગ્રેસ અને જીપીપીએ પોતાના કૅન્ડિડેટની પસંદગીની પ્રક્રિયા ઝડપી બનાવી છે. જોકે ઇલેક્શન ડિસેમ્બરના બીજા વીકની ૧૩ અને ૧૭ તારીખે હોવાથી હજી સમય છે, પણ નરેન્દ્ર મોદી પોતાના ઉમેદવારોને છેલ્લે સુધી અંધારામાં રાખવા નથી માગતા અને એટલે જ તેમણે નક્કી કર્યું છે કે ૧૩ ડિસેમ્બરે થનારા પ્રથમ તબક્કાની ૮૭ બેઠકની ઇલેક્શનના ઉમેદવારોનું લિસ્ટ તે વિજયાદશમીના દિવસે જાહેર કરશે. ગુજરાત બીજેપીના સિનિયર નેતા અને નરેન્દ્ર મોદીના અત્યંત નજીકના સાથીદારે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિજ્યાદશમીના દિવસે સીએમની જાહેર સભા રાખવામાં આવશે અને એ જાહેર સભામાં મુખ્ય પ્રધાન ઍનાઉન્સ કરશે કે આજે રાવણદહન પૂરું કર્યા પછી કૉન્ગ્રેસ દહનના કાર્યક્રમમાં લાગી જવાનું છે.’

૨૪ ઑક્ટોબરે બીજેપી પોતાના લિસ્ટનું ઍનાઉન્સમેન્ટ કરશે એટલે ઉમેદવારો પાસે ઇલેક્શન કૅમ્પેન માટે ૪૮ દિવસ કૅમ્પેન માટે મળશે, જે પૂરતાં હોવાનું નરેન્દ્ર મોદી માને છે. બીજા તબક્કાનું ઇલેક્શન ૧૭ તારીખે છે, જેના નામનું લિસ્ટ ધનતેરસને દિવસે જાહેર કરવામાં આવે એવી શક્યતા છે.