પોરબંદરની બેઠક પરની ફાઇટ રસાકસીભરી

09 December, 2012 08:11 AM IST  | 

પોરબંદરની બેઠક પરની ફાઇટ રસાકસીભરી




ગુજરાત વિધાનસભામાં ખરાખરીનો જંગ ગણાય એવી કેટલીક બેઠકો પૈકીની એક બેઠક પોરબંદર વિધાનસભાની છે. આ બેઠક પર કૉન્ગ્રેસના ગુજરાત પ્રમુખ અજુર્ન મોઢવાડિયા ઇલેક્શન લડી રહ્યા છે, તો પોરબંદર બેઠક પર બીજેપીએ કેશુભાઈ પટેલના પ્રધાનમંડળમાં સિંચાઈ ખાતું સંભાળતા બાબુભાઈ બોખીરિયાને ટિકિટ આપીને તેમને કમબૅકનો ચાન્સ આપ્યો છે. બાબુભાઈ બોખીરિયા અજુર્નભાઈ સામે ૨૦૦૨માં હારી ચૂક્યા હતા. એ પછી બાબુભાઈ સામે ખનિજચોરીનો આરોપ થતાં તેમની અરેસ્ટ થઈ અને એટલે ૨૦૦૭ના ઇલેક્શનમાં અજુર્ન મોઢવાડિયા સામે બીજેપીએ શાંતાબહેન ઓડેદરાને ટિકિટ આપી હતી, જેની સામે પણ અજુર્નભાઈ જીત્યા હતા.

આ વખતે માહોલ જુદો


આમ અગાઉ બે વાર જીતી ચૂકેલા અજુર્નભાઈ માટે સીધી નજરે તો પોરબંદરની જીત નિશ્ચિત ધારી શકાય, પણ આ વખતનો માહોલ જુદો છે. આ વખતે અજુર્ન મોઢવાડિયા સામે એવો આક્ષેપ થઈ રહ્યો છે કે તેમણે છેલ્લાં ૧૦ વર્ષમાં પોરબંદર શહેરમાં રહેવાને બદલે ગાંધીનગરમાં રહેવાનું વધુ પસંદ કરીને પક્ષનું કામ કર્યું છે, પણ શહેરના પ્રશ્નોનો અનાદર કર્યો છે. બાબુભાઈ બોખીરિયાએ કહ્યું હતું કે ‘અજુર્નભાઈ માસ્તર જેવા છે. મારતા પણ નથી અને ભણાવવામાં પણ કાચા છે. પોરબંદરમાં આવો માણસ ન ચાલે. અહીં તો મારીને ભણાવે એવો શખ્સ જોઈએ.’

બોખીરિયાને લાવનાર બાપા


બાબુભાઈ બોખીરિયાને બીજેપીમાં લાવવાનું કામ કેશુભાઈ પટેલે કર્યું હતું. ૧૯૯૫ અને ૧૯૯૮માં બે વખત બીજેપીના વિધાનસભ્ય રહી ચૂકેલા બાબુભાઈ ૨૦૦૨માં હાર્યા હતા. આ વખતે બાબુભાઈને જો ટિકિટ આપવામાં ન આવી હોત તો તેઓ આ ઇલેક્શન જીપીપીમાંથી લડવાના હતા. જીપીપીનું અસ્તિત્વ આવ્યું હોવાથી નરેન્દ્ર મોદીએ નાછૂટકે બાબુભાઈને સાચવી લેવા માટે તેમને કમબૅકની તક આપી. અજુર્નભાઈએ કહ્યું હતું કે ‘બાબુભાઈ મિનરલ માફિયા તરીકે આખા એરિયામાં ઓળખાય છે. આવા માણસને વિધાનસભામાં મોકલવાનો અર્થ ચોખ્ખો એક જ છે કે ભ્રષ્ટાચારીને આગળ ધરવો. આ કામ કોઈ કાળે પોરબંદરમાં નહીં થાય.’

મેર જ્ઞાતિનું જોર વધુ


વાત સાચી છે. ૧૯૬૨થી ગુજરાત વિધાનસભામાં પોરબંદરમાં મેર જ્ઞાતિનો વિધાનસભ્ય રહ્યો છે અને એની પાછળનું કારણ છે પોરબંદરમાં રહેલી મેર કૉમ્યુનિટીની વસ્તી. કુલ ૨,૦૯,૩૧૧ મતો ધરાવતી આ બેઠક પર ૭૮,૦૦૦ મેર મતદારો છે, તો ૨૦,૦૦૦ ખારવા જ્ઞાતિના, ૧૮,૦૦૦ લોહાણા જ્ઞાતિના અને એટલા જ બ્રાહ્મણ જ્ઞાતિના તથા ૨૨,૦૦૦ મુસ્લિમ અને દલિતોના મતો છે. લાઇમસ્ટૉન નામના કાચા સોના જેવા ખનિજ પર વિકસેલા આ શહેરને જીતવા માટે મેર કૉમ્યુનિટી હાથમાં હોવી અનિવાર્ય છે. અગાઉનાં વષોર્માં એવું થતું કે એક મેર તાકાતવાર હોય અને બીજો મેર શિક્ષિત હોય, પણ આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે બન્ને મેર તાકાતવાર છે અને બન્ને પોતપોતાના ક્ષેત્રમાં માહેર પણ છે અને એટલે જ આ વખતના જંગમાં કયા મેરનું પલ્લું ભારે રહેશે એ કળવું કઠિન બનવાની સાથે આ જંગ ખરાખરીનો બની ગયો છે.

બીજું કોણ-કોણ મેદાનમાં?


બાબુભાઈ જીપીપીના ઉમેદવાર તરીકે લગભગ ફાઇનલ હતા, પણ છેલ્લી મિનિટે તેમને બીજેપીએ ટિકિટ આપતાં હવે પોરબંદરમાંથી જીપીપીની ઉમેદવારી રાજેશ પંડ્યાએ કરી છે. રાજેશ પંડ્યા બીજેપીના વોટમાં સીધી હિસ્સેદારી કરી શકે છે. જો એવું થાય તો પોરબંદરના બાબુભાઈને ટેન્શન આવી શકે છે. આ ઉપરાંત પોરબંદર બેઠક પરથી બીજા પાંચ અપક્ષ કૅન્ડિડેટ પણ છે, જેમાંથી ત્રણ બીજેપીના નારાજ કાર્યકરો છે તો બે કૉન્ગ્રેસના નારાજ કાર્યકરો છે એટલે આ કૅન્ડિડેટ પણ મતોનું ધ્રુવીકરણ કરીને પોતાની પાર્ટીને ડૅમેજ કરી શકે છે. બે મેર ઉમેદવારો વચ્ચે ઉમેદવારી નોંધાવનારા બ્રાહ્મણ જ્ઞાતિના રાજેશ પંડ્યાએ કહ્યું હતું કે ‘પોરબંદરમાં મેરનું વર્ચસ છે, પણ મેર વિધાનસભ્ય હોવા છતાં જ્ઞાતિ માટે કોઈએ કાંઈ નથી કર્યું. હું મેર જ્ઞાતિના ઉત્થાન માટે કામ કરવા કટિબદ્ધ છું.’