ઇલેક્શનનું કાસ્ટિઝમ ચરમસીમાએ

09 October, 2012 05:22 AM IST  | 

ઇલેક્શનનું કાસ્ટિઝમ ચરમસીમાએ



ગુજરાતમાં આવી રહેલા વિધાનસભાના ઇલેક્શનમાં આ વખતે જ્ઞાતિવાદ ચરમસીમાએ રહે એવી શક્યતા અત્યંત પ્રબળ છે. કેશુભાઈ પટેલ પોતાના પટેલવાદ સાથે આગળ વધી રહ્યા છે તો ગઈ કાલે કૉન્ગ્રેસે ગુજરાતની વસ્તીમાં બીજા નંબરે આવતી કોળી જ્ઞાતિનું સંમેલન રાજકોટ જિલ્લાના જસદણ ગામે કરીને કોળીઓ પાસે શપથ લેવડાવ્યા હતા કે જ્ઞાતિનો કોઈ વોટર બીજેપીને મત નહીં આપે.

આ સંમેલનમાં અંદાજે ૬૦,૦૦૦ જેટલા લોકો હાજર હતા, જેમાં ગુજરાત કોળી સમાજના અગ્રણીઓ અને અલગ-અલગ શહેરના પ્રમુખો પણ હાજર હતા. આ ઉપરાંત સંમેલનમાં ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયા સહિત અન્ય નેતાઓ પણ હાજર હતા.

અજુર્ન મોઢવાડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે માત્ર પોતાનો વિકાસ કરવાની કે શહેરને ડેવલપ કરવાની નીતિ નથી રાખી, કૉન્ગ્રેસ હંમેશાં સવાર઼્ગી વિકાસમાં માને છે. બીજેપીએ ૧૧ વર્ષમાં કોળી જ્ઞાતિના ઉત્થાન માટે કોઈ કાર્ય નથી કર્યું એટલે ગુજરાતભરના કોળી સમાજે બીજેપીનો સામૂહિક બહિષ્કાર કર્યો છે. કોળી સમાજની બહુમતી ધરાવતાં ગામોમાં તો બીજેપીના ઉમેદવારને દાખલ પણ નહીં થવા દેવા એવા શપથ લીધા છે. આ લોકોની લાગણી છે, એમાં અમે કશું ન કરી શકીએ.’

જ્ઞાતિવાદનો ખુલ્લેઆમ ઉપયોગ કરવાની આ પદ્ધતિને વખોડતાં ગુજરાત બીજેપીના મહામંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘આ હલકી કક્ષાની રાજનીતિ છે. આ રાજનીતિ દર્શાવે છે કે કૉન્ગ્રેસ ભાન ભૂલી ગઈ છે.’

બુકીબજારમાં બીજેપી ફેવરિટ : મળશે ૧૦૦ સીટ

બીજેપીની ૧૦૦ બેઠકનો ભાવ ૫૫-૬૦ પૈસા, તો ૧૧૮ બેઠકનો ભાવ ૧.૨૫થી ૧.૫૦ રૂપિયા : કૉન્ગ્રેસની ૧૦૦ બેઠકનો ભાવ ૩.૭૫થી ૪ રૂપિયા

ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન ડિક્લેર થયા પછી ગઈ કાલથી બુકીઓની માર્કેટના ભાવ ખુલ્લા મુકાયા છે. આ માર્કેટ મુજબ આવતા ઇલેક્શનમાં બીજેપીને કૉન્ગ્રેસ અને જીપીપી ટફ ફાઇટ આપશે. જોકે આ ફાઇટ પછી પણ બીજેપી ગુજરાતમાં પોતાની સત્તા સંભાળી રાખશે. ગુજરાતના એક જાણીતા બુકીએ કહ્યું હતું કે ‘સર્વે મુજબ અત્યારે ગુજરાતમાં અમને બીજેપીની ૧૦૦ સીટ ચોખ્ખી દેખાય છે. કૉન્ગ્રેસને ૫૮થી ૬૨ સીટની પૂરી શક્યતા છે, જ્યારે કેશુભાઈ પટેલની જીપીપીને ૧૦થી ૨૦ સીટના ચાન્સિસ છે.’

સટ્ટાબજારના ભાવ પણ આ મુજબ જ ખૂલ્યા છે. બીજેપીની ૧૦૦ સીટનો ભાવ ૫૫-૬૦ પૈસા ખૂલ્યો છે તો અત્યારે છે એટલી એટલે કે ૧૧૮ બેઠક માટે અત્યારે સટ્ટામાર્કેટમાં સવાથી દોઢ રૂપિયાનો ભાવ ચાલે છે. કૉન્ગ્રેસની ૫૮થી ૬૨ સીટનો ભાવ પણ લગભગ આવો જ ખૂલ્યો છે. કૉન્ગ્રેસની ૧૦૦ સીટનો ભાવ અત્યારે બુકીઓની માર્કેટમાં ૩.૭૫થી ૪ રૂપિયા ખૂલ્યો છે. જોકે આ ભાવે હજી સુધી કોઈ સોદા શરૂ થયા નથી. જીપીપી ગુજરાતની ત્રીજી પાર્ટી બનવાની છે એટલે હજી સુધી એને માટે કોઈ ભાવ ખોલવામાં નથી આવ્યો. બુકીમાર્કેટનું માનવું છે કે ‘આ વિધાનસભામાં બીજેપીને તકલીફ પડે એવું દેખાય છે, પણ ગુજરાતમાં સરકાર તો બીજેપીની બનશે એવું ચોખ્ખું દેખાય છે.’

બીજેપી = ભારતીય જનતા પાર્ટી