રિઝલ્ટ ઐતિહાસિક અને આશ્ચર્યજનક

21 December, 2012 03:40 AM IST  | 

રિઝલ્ટ ઐતિહાસિક અને આશ્ચર્યજનક



વિજય વિશ્લેષણ - રમેશ ઓઝા


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ઐતિહાસિક અને આશ્ચર્યજનક બન્ને છે. એક જ નેતાના નેતૃત્વ હેઠળ પાર્ટી એક પછી એક ચૂંટણી જીતતી જાય અને એના નેતાની લોકપ્રિયતા અકબંધ રહે એવું તો જાણે આ પહેલાં પશ્ચિમબંગમાં જોવા મળ્યું હતું. જ્યોતિ બાસુએ એકધારાં ૨૩ વર્ષ સુધી પશ્ચિમબંગમાં રાજ કર્યું હતું અને વિધાનસભાની પાંચ ચૂંટણીમાં ડાબેરી મોરચાને વિજય અપાવ્યો હતો. એકધારાં ૨૩ વર્ષ સુધી શાસન કર્યા પછી તેમણે ઉંમરને કારણે સામેથી મુખ્ય પ્રધાનપદ છોડ્યું હતું. મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ ઘણું કરીને આવતા વર્ષે પક્ષને ત્રીજી વાર જિતાડી આપશે. છત્તીસગઢમાં રમણ સિંહ ત્રીજી વખત સત્તામાં આવે તો આશ્ચર્ય નહીં. આમ હૅટ-ટ્રિક એ કોઈ નવી વાત નથી. નવી વાત એ છે કે ત્રીજી વાર પ્રજા માટે મૅન્ડેટ માગતા નરેન્દ્ર મોદીને ૨૦૦૭ની સરખામણીમાં વધુ મતદારોએ વધુ મત આપીને તેમના શાસનને અનુમોદન આપ્યું છે. દસ વર્ષ જૂના શાસકને જિતાડવા માટે અગાઉના નિષ્ક્રિય મતદારો ખાસ સક્રિય થયા હોય અને તેમને જિતાડવાના ખાસ ઉદ્દેશથી મતદાનમાં પૉઝિટિવ વધારો થયો હોય એવું આ પહેલાં ભારતીય સંસદીય ઇતિહાસમાં જોવા મળ્યું નથી. અત્યાર સુધીનું ચૂંટણીશાસ્ત્ર તો એમ કહેતું આવ્યું છે કે જ્યારે મતદાનમાં અસાધારણ વધારો થાય તો એમ સમજવું કે લોકોના મનમાં વર્તમાન શાસકો સામે તીવ્ર નારાજગી છે અને તેઓ પરિવર્તન ઇચ્છે છે. નરેન્દ્ર મોદીએ ચૂંટણીશાસ્ત્રના રૂઢ નિયમને ખોટો સાબિત કર્યો છે. આમ આ ઐતિહાસિક અને આશ્ચર્યજનક ઘટના છે.

ગુજરાતનું રાજકારણ વધુ ને વધુ એકધ્રુવીય બની રહ્યું છે. એ ધ્રુવ પક્ષ નથી પણ વ્યક્તિ છે. એક વ્યક્તિની આસપાસ ગુજરાતના રાજકારણનું ધ્રુવીકરણ કરવાનું કામ નરેન્દ્ર મોદીએ પોતે, તેમની વિચારધારાનો વિરોધ કરનારા મારા જેવા સેક્યુલરિસ્ટોએ અને એ ધ્રુવ સામે કેમ પનારો પાડવો એ નિર્માય જ ન લઈ શકનાર કૉન્ગ્રેસે કર્યું છે. આ સ્થિતિ માટે કૉન્ગ્રેસ વધુ જવાબદાર છે. ગુજરાતમાં કૉન્ગ્રેસની સ્થિતિ એવી દયાજનક નથી જેવી એની સ્થિતિ ઉત્તર પ્રદેશ અને બિહારમાં છે. ગુજરાતમાં કૉન્ગ્રેસને ૪૧ ટકા મત મળ્યાં છે જે ઉત્તર પ્રદેશ અને બિહારના સરેરાશ ૨૫ ટકા કરતાં ઘણા વધારે કહેવાય. બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે મતમાં ૧૦ ટકાનું જ અંતર છે.

આમ ગુજરાતમાં કૉન્ગ્રેસની અસરકારક હાજરી હોવા છતાં એના નેતાઓ એનો અસરકારક ઉપયોગ નથી કરી શકતા. તેમને ખબર નથી પડતી કે નરેન્દ્ર મોદીનો કઈ રીતે મુકાબલો કરવો. મોદીના હિન્દુત્વને સેક્યુલરિઝમના નામે પડકારતાં તેઓ ડરે છે. મોદીના વિકાસના આંકડાઓને વંચિતોના નામે પડકારતાં તેઓ ડરે છે. સર્વસમાવેશક (ઇન્ક્લુઝિવ) ગુજરાતની વૈકલ્પિક છબિ રજૂ કરતાં તેઓ ડરે છે. કૉન્ગ્રેસના નેતાઓ આમઆદમીની વાત તો કરે છે; પરંતુ તેઓ શહેરી - મધ્યમવર્ગીય - હિન્દુત્વવાદી અને વિકાસના લાભાર્થી એવા ગુજરાતીથી ડરે છે. આ ગુજરાતી નરેન્દ્ર મોદીનો સમર્થક છે અને કૉન્ગ્રેસનો વિરોધી છે. પરાયો કાયમ માટે પરાયો ન બની જાય એના ભયે કૉન્ગ્રેસ પરંપરાગત સમર્થન પણ ગુમાવી રહી છે. ટૂંકમાં, કૉન્ગ્રેસના નેતાઓ માટે નરેન્દ્ર મોદી પ્રતિસ્પર્ધી નથી રહ્યા પરંતુ ભયનો ઓળો બની ગયા છે. કૉન્ગ્રેસના રાજકારણમાં વાસ્તવિક અને કાલ્પનિક એમ બન્ને પ્રકારનો ભય જોવા મળે છે.

જતી જિંદગીએ આવો ફટકો પડશે એવી કેશુભાઈ પટેલે અપેક્ષા નહીં રાખી હોય. ગુજરાતમાં ત્રીજો પક્ષ ફાવતો નથી એ અત્યાર સુધીનો અનુભવ છે. નવનિર્માણ આંદોલનને કારણે મુખ્ય પ્રધાનપદ ગુમાવનારા ચીમનભાઈ પટેલે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપીને કિસાન મઝદૂર લોક પક્ષ (કિમલોપ)ની સ્થાપના કરી હતી. ૧૯૭૫ની સાલમાં નવનિર્માણ આંદોલન પછી ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કિમલોપનો ‘કારમો’ પરાજય થયો હતો, કારણ કે એને ‘કેવળ’ ૧૨ બેઠક મળી હતી. આ વાક્યમાં ‘કારમો’ અને ‘કેવળ’ એ સમયે ચીમનભાઈ માટે વપરાયેલા શબ્દપ્રયોગો છે. હવે કલ્પના કરો કે ચીમનભાઈની તુલનામાં તેમના અનુગામી પટેલ કેશુભાઈના પરાજયને કયા શબ્દમાં ઓળખાવવો. તેમના પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટીને માત્ર બે બેઠક મળી છે. તેઓ પોતે વિસાવદરની બેઠક માંડ જાળવી શક્યા છે. તેમનો પટેલવાદ ચાલ્યો નથી. ગુજરાતની ચૂંટણીને તેઓ પ્રભાવિત કરી શક્યા નથી એનો સીધો અર્થ હું એવો કરું કે ગુજરાતના પટેલોની એકતા એ એક મિથ છે. કેશુભાઈ થોડો સમય અરણ્યવાસમાંથી બહાર આવ્યા હતા અને હવે બાકીનો સમય તેમણે ત્યાં જ વિતાવવાનો રહેશે.

ગુજરાતની ચૂંટણીના અખાડામાં એક ચોથું પરિબળ પણ હતું જેની અહીં વાત કરવી જરૂરી છે. એ પરિબળનું નામ છે સંઘપરિવાર. પ્રવીણ મણિયાર અને પ્રવીણ તોગડિયા જેવા સંઘપરિવારના નેતાઓ ખુલ્લી રીતે અને બીજા આડકતરી રીતે મોદીની વિરુદ્ધ કામ કરતા હતા. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સંઘપરિવારની ખસી કરી નાખી છે. સંઘના હિન્દુત્વને, સંઘના રાષ્ટ્રવાદને અને સંઘની પ્રામાણિકતાની ઇમેજને નરેન્દ્ર મોદીએ આંચકી લીધાં છે. ઉપરથી એમાં તેમણે ગુજરાતની અસ્મિતાનાં અને વિકાસનાં વસાણાં ઉમેયાર઼્ છે. મોદીએ આધુનિક હિન્દુત્વવાદીનો એક નવો ચહેરો ધારણ કર્યો છે. કુલ મળીને નરેન્દ્ર મોદીએ પોતાની ઇમેજનું એક નવું રસાયણ તૈયાર કર્યું છે જેમાં સંઘપરિવાર માટે કોઈ જગ્યા જ નથી બચી. સંઘપરિવાર માટે આવનારા દિવસોના આમાં સંકેત છે. કાં તો રાજકારણમાં નજરે પડો એ રીતે સક્રિય રસ લો અથવા રાજકારણથી દૂર રહો. કાલબાહ્ય વિચારધારા અને નૈતિકતાની ચાબુક હાથમાં રાખીને સારથિની ભૂમિકા ભજવવાનો યુગ હવે આથમી ગયો છે. બીજેપીના નેતાઓ સંઘના નેતાઓને તેમની જગ્યા બતાવે એ પહેલાં તેમણે ચેતી જવું જોઈએ.

ગુજરાતનાં પરિણામો સમાજશાસ્ત્રીઓને વિચારતા કરી મૂકશે. મૂળભૂત રીતે ગુજરાતનું ધ્રુવીકરણ રાજકીય નથી પણ સામાજિક છે. એક તરફ શહેરી - મધ્યમવર્ગીય - હિન્દુત્વવાદી અને વિકાસનો લાભાર્થી એવો ગુજરાતી છે અને બીજી બાજુ ગ્રામીણ વંચિત ગુજરાતી છે. આમ પણ ભારતનાં અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત શહેરીકરણની પ્રક્રિયામાં ઘણું આગળ છે. ગુજરાત ભારતનું પહેલું રાજ્ય છે જેમાં શહેરી ગુજરાત અને ગ્રામીણ ગુજરાત એવું એક નવું અને પ્રભાવક સામાજિક વિભાજન આકાર લઈ રહ્યું છે. આવતી કાલના ભારતની સામાજિક વાસ્તવિકતા આજે ગુજરાતમાં જોવા મળી રહી છે. સામાજિક વિભાજનની આ નવી વાસ્તવિકતા નવાં રાજકીય સમીકરણો અને પરિણામો આપી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જોતાં એમ લાગે છે કે ગુજરાતમાં આની શરૂઆત થઈ ગઈ છે.