નવસારીમાં હીરાના વેપારી પાસેથી 60 લાખના હીરા ભરેલી બૅગની લૂંટ

23 January, 2020 11:19 AM IST  |  Navsari | Ronak Jani

નવસારીમાં હીરાના વેપારી પાસેથી 60 લાખના હીરા ભરેલી બૅગની લૂંટ

પ્રતીકાત્મક તસવીર

નવસારી શહેરના સાંઢકુવા વિસ્તારમાં મંગળવારની સાંજે હીરાના વેપારી પાસેથી ૩ બુકાનીધારી માણસો ૬૦ લાખના હીરા ભરેલી બૅગ ઝૂંટવીને નાસી છૂટ્યા હતા. ભીડભાડવાળી જગ્યાએ લૂંટનો બનાવ બનતાં વાયુવેગે હીરાના વેપારીઓમાં વાત ફેલાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં સુરત રેન્જ આઇજી પણ નવસારી આવી પહોંચ્યા હતા અને જિલ્લામાં નાકાબંધી કરાવી લૂંટારાઓને પકડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

સુરત પછી નવસારી હીરાના વેપાર માટે મોટું માર્કેટ છે. શહેરની મધ્યમાં આવેલા સત્તાપીર વિસ્તારમાં ડાયમન્ડ ટ્રેડ સેન્ટરમાં હીરાની પેઢીમાં કામ કરતા ૫૦ વર્ષના સુરેશ શાહ મંગળવારે સાંજે સાડાછ વાગ્યે પોતાના ઍક્ટિવા મોપેડ પર હીરા ભરેલી બૅગ લઈને તેમના ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સાંઢકુવા વિસ્તારમાં અજિત સોસાયટી પાસે દેરાસરની નજીક પાછળથી મોઢાને રૂમાલથી ઢાંકીને આવેલા બાઇકરે તેમને અટકાવી પૈસાની માગણી કરી હતી. સુરેશભાઈ કોઈ વાત કરે એ પહેલાં નજીકમાં લાગ જોઈ રહેલા અન્ય બીજા બે માણસોએ આવીને તેમની પાસે રહેલી બૅગ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો હતો.

સુરેશભાઈએ બૅગ પકડી રાખતાં તેમને નીચે પાડી ઈજા પહોંચાડીને ત્રણે જણ અંદાજે રૂપિયા ૬૦ લાખની કિમંતના ત્રણ હજાર કૅરેટના હીરા ભરેલી બૅગ ઝૂંટવી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં નવસારી ટાઉન પોલીસ સહ‌િત એલસીબી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બનાવના સ્થળ નજીક સોસાયટીમાં લાગેલા સીસીટીવી કૅમેરા ચકાસ્યા હતા, જેમાં ૬માંથી ૧ કૅમેરામાં બાઇકસવાર દેખાઈ જતાં તેની તપાસ કરી લૂંટારાઓનું પગેરું શોધી કાઢવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આ પણ વાંચો : 24 કલાકની મહેનત અને 4 કરોડ લિટર પાણીએ સુરતની માર્કેટની આગ ઠરી

ઘટનાની ગંભીરતાને જોતાં સુરત રેન્જ આઇજીપી રાજકુમાર પાંડિયન પણ નવસારી દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળની મુલાકાત લઈ સમગ્ર રેન્જમાં નાકાબંધી કરી વાહન ચેકિંગના આદેશ આપ્યા હતા, જ્યારે ઘટનાના પગલે નવસારીના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, ડાયમન્ડ અસોસિએશનના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા. ડાયમન્ડ અસોસિએશન પ્રમુખ કમલેશભાઈએ તમામ વેપારીઓને જોખમ હોય તો સાવચેતી રાખવા અને જોખમ સાથે હોય તો એકલા ન નીકળવાની સલાહ આપી હતી.

navsari gujarat