જૂનાગઢમાં પત્રકારો પર પોલીસનો લાઠીચાર્જ

14 May, 2019 07:22 AM IST  |  ગાંધીનગર | (જી.એન.એસ.)

જૂનાગઢમાં પત્રકારો પર પોલીસનો લાઠીચાર્જ

પ્રતીકાત્મક તસવીર

જૂનાગઢમાં ગઈ કાલે લુખ્ખાઓની લાજ કાઢતી પોલીસે હદ વટાવીને લોકશાહીની આબરૂના લીરેલીરા ઉડાડી દીધા હતા. રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું કવરેજ કરી રહેલા ન્યુઝ-ચૅનલના કૅમેરામૅન અને પત્રકારોને તેમની ફરજ બજાવતાં અટકાવીને તેમના પર રક્ષકને બદલે ભક્ષક બનીને પોલીસે બેફામ લાઠીઓ વીંઝીને લાઇવ કિટ તોડી પાડતાં આખા રાજ્ય અને દેશના મીડિયા કર્મચારીઓમાં ઘેરો આક્રોશ છવાયો છે. પોલીસની તાનાશાહી અને ગુંડાગીરીનો ચિતાર આપતાં વિડિયો-ફુટેજ સામે હોવા છતાં બેશરમીની હદ વટાવીને ગૃહખાતાએ કે પોલીસ-ઑફિસરોએ મોડી સાંજ સુધી કોઈ ઍક્શન ન લેતાં સત્તાધીશોની નીતિ અને નિયત ઉઘાડી પડી ગઈ છે.

જૂનાગઢમાં એક ન્યુઝ-ચૅનલના કૅમેરામૅન વિપુલ બોરીચા અને રહીમ લાખાણી જ્યારે ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું કવરેજ કરતા હતા ત્યારે તેમનાથી કશુંક છુપાવવાની મેલી મુરાદ હોય એમ પોલીસે કૅમેરામૅનને રોકવાની સરમુખત્યારશાહી અજમાવી હતી, પરંતુ વર્ષોથી પત્રકારત્વના ક્ષેત્રે જવાબદારીપૂર્વક ફરજ બજાવતા મીડિયા-કર્મચારીઓ પર તેમના ખોટા રુઆબની અસર ન થતાં ભડકેલા પોલીસો ટોળે વળીને લાઠીઓ લઈ તેમના પર તૂટી પડ્યા હતા. પત્રકારો પાસે કોઈ હથિયાર નહોતાં, બૉમ્બ નહોતો કે ન શાંતિનો ભંગ થાય એવી કોઈ બાબત હતી છતાં ગમે ત્યાં લાઠી વીંઝવાની જેમને આદત પડી ગઈ છે એવા કૉન્સ્ટેબલો નિર્દોષ હથિયારવિહોણા પત્રકારો પર તૂટી પડ્યા હતા.

આ પણ વાંચો : દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ગુજરાતીની પસંદગી

લાઠીચાર્જ માટે મામતલદારનો આદેશ જરૂરી હોય છે, પરંતુ ખુદ એસપી કહે છે કે આવા કોઈ આદેશ નથી છતાં વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે જાણે જૂનાગઢમાં પોલીસનું જ રાજ હોય અને કાયદાનું નામોનિશાન ન હોય એમ કૉન્સ્ટેબલોએ એટલી હદે લાઠી વીંઝી કે લાઇવ કિટ સુધ્ધાં તૂટી ગઈ. પત્રકારોની મારઝૂડના વિરોધમાં તેઓએ રાતભર એસપીની ઑફિસની બહાર રાતભર જાગીને ધરણાં કર્યાં હતાં.

gandhinagar junagadh gujarat