ગામડાંઓની મહિલાઓને ફ્રીમાં પ્લૉટ : મકાન બાંધવા એક લાખની લોન મળશે

23 August, 2012 05:46 AM IST  | 

ગામડાંઓની મહિલાઓને ફ્રીમાં પ્લૉટ : મકાન બાંધવા એક લાખની લોન મળશે

રશ્મિન શાહ

રાજકોટ, તા. ૨૩

એકસાથે ચૂંટણીઢંઢેરો જાહેર કરવાને બદલે કૉન્ગ્રેસના ઇતિહાસમાં પહેલી વખત હપ્તાવાર ચૂંટણીવચનો જાહેર કરી રહેલી ગુજરાત કૉન્ગ્રેસે ગઈ કાલે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં એકસાથે પ્રેસ-કૉન્ફરન્સ કરીને પોતાનું ચોથું ચૂંટણીવચન જાહેર કર્યું હતું. ખાસ ગામડાના લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ ચૂંટણીવચનમાં ગુજરાત કૉન્ગ્રેસે એવું વચન આપ્યું હતું કે જો ગુજરાતમાં કૉન્ગ્રેસનું શાસન આવશે તો ગામડામાં રહેતી મહિલાઓને ૧૦૦ ચોરસ મીટરનો પ્લૉટ નિ:શુલ્ક આપવામાં આવશે અને એ પ્લૉટ પર ૩૦ ચોરસ મીટરનું બાંધકામ કરી શકે એવું મકાન બનાવવા માટે ૧,૦૦,૦૦૦ રૂપિયાની લોન આપવામાં આવશે, જે તેમણે ૧૫ વર્ષમાં પૂરી કરવાની રહેશે. રાજકોટની પ્રેસ-કૉન્ફરન્સ માટે રાજકોટ આવેલા ગુજરાત કૉન્ગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નરહરિ અમીને કહ્યું હતું કે ‘આ યોજના અંતગર્ત અમે ૧૫,૦૦,૦૦૦ પ્લૉટની ફાળવણી કરીશું. એને લીધે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓનું પોતાનું ઘર થશે.’

કૉન્ગ્રેસે ગુજરાતનાં ગામડાંઓમાં રહેલાં કાચાં મકાનોની વિગતો સાથે ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગોને આપવામાં આવેલી જમીનોની વિગત પણ ખુલ્લી મૂકી હતી. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ‘ઇન્દિરા આવાસ યોજના અને સરદાર આવાસ યોજના હેઠળ આ ઘરો બનાવવામાં આવશે. આ યોજના ચાલુ જ

હતી, પણ બીજેપીની સરકારે ૧૯૯૫થી આ યોજના બંધ કરીને ઉદ્યોગોને જમીનની લહાણી શરૂ કરી દીધી હતી.’

ગુજરાત કૉન્ગ્રેસે કુલ ૧૨ હપતામાં ચૂંટણીઢંઢેરો જાહેર કરવાનું નક્કી કર્યું હતું, જે પૈકી ગઈ કાલે ચોથા વચનની જાહેરાત થઈ હતી. હવે સાત હપ્તા બાકી છે.