ગુજરાત કૉન્ગ્રેસ હવે બાપુના હવાલે

21 December, 2012 06:07 AM IST  | 

ગુજરાત કૉન્ગ્રેસ હવે બાપુના હવાલે



શંકરસિંહ વાઘેલા સિવાય કૉન્ગ્રેસનાં કયાં મોટાં માથાં હાર્યા?

અજુર્ન મોઢવાડિયા, કૉન્ગ્રેસના પ્રદેશ પ્રમુખ


ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયા પોરબંદરની બેઠક પરથી ચૂંટાયેલા વિધાનસભ્ય હતા, પરંતુ આ વખતની ચૂંટણીમાં પોરબંદરની બેઠક પર તેઓ બીજેપીના બાબુભાઈ બોખીરિયા સામે ૧૭,૧૪૬ મતથી હારી ગયા છે. અજુર્ન મોઢવાડિયાને ૬૦,૪૫૮ મત મળ્યાં હતા, જ્યારે બાબુભાઈ બોખીરિયાને ૭૭,૬૦૪ મત મળ્યાં હતા.

શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં વિપક્ષના નેતા

નવા સીમાંકનને કારણે બનેલી ભાવનગર (રૂરલ)ની બેઠક પરથી ચૂંટણી લડનારા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ સિટિંગ વિધાનસભ્ય હતા, પરંતુ આ વખતની ચૂંટણીમાં તેઓ બીજેપીના પ્રધાન પુરુસોત્તમ સોલંકી સામે ૧૮,૫૫૪ મતથી હારી ગયા છે. શક્તિસિંહ ગોહિલને ૬૫,૪૨૬ મત મળ્યાં હતા, જ્યારે પુરુસોત્તમ સોલંકીને ૮૩,૯૮૦ મત મળ્યાં હતા.

સિદ્ધાર્થ પટેલ, કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ

ડભોઈ બેઠક પરથી કૉન્ગ્રેસના સિટિંગ વિધાનસભ્ય અને કૉન્ગ્રેસના અગ્રણી સિદ્ધાર્થ ચીમનભાઈ પટેલે ૫૧૨૨ મતથી હારનો સામનો કરવો પડ્યો છે. સિદ્ધાર્થ પટેલને ૬૫,૭૧૧ મત મળ્યાં હતા, જ્યારે બીજેપીના બાલકૃષ્ણ પટેલને ૭૦,૮૩૩ મત મળ્યાં હતા.

ઇકબાલ પટેલ, વિધાનસભામાં દંડક

વિધાનસભામાં દંડક અને કૉન્ગ્રેસના નેતા ઇકબાલ પટેલનો ભરૂચ પાસેની વાગરા બેઠક પર પરાજય થયો છે. બીજેપીના અરુણસિંહ રાણાએ તેમને હાર આપી છે. આ બેઠક પર અરુણસિંહ રાણાને ૬૮,૫૧૨ વોટ મળ્યાં હતા, જ્યારે ઇકબાલ પટેલને ૫૪,૧૯૪ વોટ મળ્યાં હતા. 

કુંવરજી બાવળિયા, કૉન્ગ્રેસના સંસદસભ્ય

બોટાદની બેઠક પરથી ચૂંટણી લડનારા કૉન્ગ્રેસના સંસદસભ્ય કુંવરજી બાવળિયા પણ જીતી શક્યા નથી. બીજેપીના ડૉ. ટી. ડી. મણિયાએ તેમને હાર આપી છે. આ બેઠક પર ડૉ. ટી. ડી. મણિયાને ૮૬,૧૮૪ વોટ મળ્યાં હતા, જ્યારે કુંવરજી બાવળિયાને ૭૬,૧૭૯ વોટ મળ્યાં હતા. કુંવરજી બાવળિયાની પરંપરાગત બેઠક જસદણ હતી, પણ તેમને બોટાદની ટિકિટ આપવામાં આવી હતી. આ બેઠક પર કોળી વોટમાં ભાગલા પડતાં તેમની હાર થઈ છે.  

માત્ર શંકરસિંહ વાઘેલા જીત્યા

એકમાત્ર શંકરસિંહ વાઘેલાએ કપડવંજની બેઠક પરથી ૬૫૯૭ મતથી વિજય મેળવ્યો હતો. શંકરસિંહ વાઘેલાને ૮૮,૬૪૧ મત મળ્યાં હતા, જ્યારે બીજેપીના કનુભાઈ ડાભીને ૮૨,૦૪૪ મત મળ્યાં હતા