ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન ફરજિયાત

11 November, 2014 06:33 AM IST  | 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન ફરજિયાત


આખરે ચારેક વર્ષ બાદ ગુજરાતમાં તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે વિધાનસભામાં પસાર કરેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરજિયાત મતદાન અને ૫૦ ટકા મહિલા અનામતની જોગવાઈના બિલને ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીએ મંજૂર કર્યું છે.

આ બિલ મંજૂર થતાં ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ફરજિયાત મતદાન થઈ શકશે. હવે આ બિલ વિશે એના પૂરતા રૂલ્સ રેગ્યુલેશન્સ બનશે અને આવનારા દિવસોમાં નાગરિકો ૧૦૦ ટકા મતદાન કરે એ માટે ગુજરાત સરકાર આગળ વધી રહી છે.

પંચાયતોના સભ્યોના ઘરમાં શૌચાલય અનિવાર્ય

ગઈ કાલે ગુજરાત વિધાનસભામાં શહેરી વિકાસ વિભાગના પ્રધાન નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા–સુધારા વિધેયક-૨૦૧૪ વિનાવિરોધે મંજૂર થયું હતું.

ગુજરાતમાં હવે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા તેમ જ મહાનગરપાલિકાની નવી ચૂંટણીઓમાં સભ્ય તરીકે ઊભા રહેવા માગતા હોય તેમણે લખી આપવું પડશે કે તેઓ પારિવારિક શૌચાલય ધરાવે છે. હાલમાં આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્ય તરીકે ચૂંટાયેલા છે તેમણે આગામી છ મહિનાની અંદર સક્ષમ અધિકારી પાસેથી આવો દાખલો રજૂ કરવાનો રહેશે.