દિવાળી પછી જ જાહેર થશે બીજેપીના ઉમેદવારોનું લિસ્ટ

09 November, 2012 05:21 AM IST  | 

દિવાળી પછી જ જાહેર થશે બીજેપીના ઉમેદવારોનું લિસ્ટ



ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં આવી રહેલા વિધાનસભાના ઇલેક્શન માટે ગુજરાતની ૧૮૨ બેઠક પર ઇલેક્શન લડવા બીજેપી પાસે કુલ ૪૪૪૨ કાર્યકર્તા અને નેતાઓએ ટિકિટ માગતાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને આ મૂંઝવણને કારણે જ તેમણે કૅન્ડિડેટનાં નામ ફાઇનલ થઈ ગયાં હોવા છતાં આ નામો હમણાં જાહેર કરવાનું મુલતવી રાખ્યું છે. ગુજરાત બીજેપીના એક સિનિયર નેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જો અત્યારે નામ જાહેર થઈ જાય તો જેમને ટિકિટ નથી મળવાની તે ઉમેદવાર નારાજ થઈ જાય, પણ દિવાળીના તહેવારો હોવાથી કોઈને નારાજ કરવા કે કોઈનો મૂડ બગાડવા નરેન્દ્ર મોદી તૈયાર નથી એટલે પહેલાં જે નામ દિવાળી પર જાહેર થવાનાં હતાં એ નામો હવે દિવાળીની રજાઓ પછી જાહેર થશે.’

તહેવાર નહીં બગાડવાના હેતુથી નામ મોડાં જાહેર કરવા પાછળનું બીજું કારણ એ પણ છે કે જેમને ટિકિટ નહીં મળે એ લોકો નારાજ થઈને કેશુભાઈ પટેલની જીપીપી કે ગુજરાત કૉન્ગ્રેસમાં જૉઇન થઈ શકે છે, પણ જો નામ મોડાં જાહેર કરવામાં આવે તો લિસ્ટ જાહેર થાય નહીં અને નારાજ થનારા બળવો પોકારીને પક્ષ છોડી દે એવું કંઈ બને નહીં. આ જ કારણે બીજેપીના કેટલાક સિનિયર નેતાઓનું માનવું છે કે ફૉર્મ ભરવાની છેલ્લી તારીખને અડતાળીસ કલાકની વાર હશે એ સમયે જ નરેન્દ્ર મોદી પોતાના ઉમેદવારનાં નામો જાહેર કરશે.