પાલારના કેદીઓએ બનાવેલાં ભજિયાં રણોત્સવનું અટ્રૅક્શન

24 January, 2020 07:48 AM IST  |  Bhuj | Utsav Vaidh

પાલારના કેદીઓએ બનાવેલાં ભજિયાં રણોત્સવનું અટ્રૅક્શન

પાલાર ભજિયા હાઉસ

કચ્છના બન્ની વિસ્તારના હોડકો નજીકના રણમાં ‘કચ્છ રણોત્સવ’ ચાલી રહ્યો છે ત્યારે આ રણ મહોત્સવને માણવા જઈ રહેલા કે પાછા આવતા પર્યટકો માટે ભુજથી થોડે દૂર પાલારા મહાદેવના સાંનિધ્યમાં એક નવતર પ્રકારનું ભજિયાગૃહ જોવા મળે છે. આ ભજિયા હાઉસ એટલા માટે વિશિષ્ટ છે કે એની સ્થાપના ભુજની ખાસ જેલ તરીકે ઓળખાતી પાલારા જેલના કેદીઓએ કરી છે. આ ભજિયા હાઉસમાં કેદીઓ જુદા-જુદા પ્રકારનાં ભજિયાં બનાવે છે, એટલું જ નહીં, એમાં બન્ને ટાઇમ ગુજરાતી થાળી પણ પીરસાય છે.

આ ભજિયા હાઉસ વહેલી સવારથી ખૂલી જાય છે અને અહીં ભુજ-ખાવડા મિલિટરી માર્ગ પર અવરજવર કરતાં વાહનો રોકાય છે અને ગરમાગરમ ભજિયાંનો સ્વાદ લે છે. અહીં ભજિયાં સાંજે ૬ વાગ્યા સુધી મળે છે અને ત્યાર બાદ કેદીઓ ડિનર બનાવવાની વ્યવસ્થામાં પરોવાઈ જાય છે. પાલારા જેલ પાસેના આ ભજિયા હાઉસ પાસે એસટી બસો પણ ક્યારેક રોકાય છે જે ઉતારુઓ માટે આશીર્વાદરૂપ બને છે.

આ પણ વાંચો : કલયુગમાં સતયુગની ઝાંખી: બસના ડ્રાઈવરે મહિલાની ખોવાયેલી બેગ પાછી સોંપી દીધી

આ જેલ ભજિયા હાઉસનું સંચાલન પાલારા ખાસ જેલ દ્વારા કરવામાં આવે છે. અહીં માત્ર ભજિયાં જ નહીં, પણ ‘કચ્છી માની’, ‘રીંગણનો ઓળો’ પણ મળે છે જે ખાસ કરીને વિદેશી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ઉલ્લેખનીય છે કે આવું જ ભજિયા હાઉસ સાબરમતી જેલના સત્તાધીશોએ પણ ઊભું કર્યું છે.

kutch bhuj gujarat