ગુજરાતમાં હવે શિયાળો રંગ પકડે છે

09 December, 2011 08:27 AM IST  | 

ગુજરાતમાં હવે શિયાળો રંગ પકડે છે

 

ગુજરાતની સાથે જ રાજસ્થાનમાં પણ આકરી ઠંડી શરૂ થઈ છે. ગઈ કાલે માઉન્ટ આબુમાં મિનિમમ ટેમ્પરેચર ચાર ડિગ્રી હતું, જેની સીધી અસરરૂપે અંબાજીમાં મિનિમમ ટેમ્પરેચર ત્રણ ડિગ્રી ઘટીને ૧૩.૫ ડિગ્રી નોંધાયું હતું. ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર હવે ઠંડીમાં ઉત્તરોતર વધારો થશે અને આવતા ૪૮થી ૭૨ કલાકમાં ગુજરાતના તાપમાનમાં વધુ એકથી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર નલિયા હતું. નલિયાનું લઘુતમ તાપમાન ૧૩.૧ ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં ૧૪.૫ ડિગ્રી, ભુજ અને ડીસામાં ૧૪.૮, અમદાવાદમાં ૧૫.૨, રાજકોટમાં ૧૫.૮, અમરેલીમાં ૧૫.૭, માંડવીમાં ૧૬.૧, ઈડરમાં ૧૬.૫, કંડલામાં ૧૬.૬, વડોદરામાં ૧૮.૬ અને સુરતમાં ૧૯.૬ ડિગ્રી ટેમ્પરેચર રહ્યું હતું. ગઈ કાલે ઓખા એકમાત્ર એવું શહેર હતું જેનું લઘુતમ તાપમાન વીસ ડિગ્રીથી વધુ હતું. ઓખામાં ગઈ કાલે મિનિમમ ટેમ્પરેચર ૨૨.૧ ડિગ્રી નોંધાયું હતું. ગઈ કાલથી તાપમાનમાં આવેલા ફરકમાં મૅક્સિમમ ટેમ્પરેચર પણ ઘટ્યું હતું, જેને કારણે ઠંડીની અસર વર્તાઈ હતી.

કાશ્મીર થોડું હૂંફાળું બન્યું

છેલ્લા કેટલાક દિવસોથી ભારે હિમવર્ષાને કારણે સતત ફ્રીઝિંગ પૉઇન્ટ (ઝીરો ડિગ્રી સેલ્સિયસ) કરતાં પણ ઓછું તાપમાન ધરાવતી કાશ્મીરની ખીણનું વાતાવરણ ગઈ કાલથી થોડું હૂંફાળું બન્યું છે. ગઈ કાલે ગુલમર્ગ સિવાય ખીણના મોટા ભાગના વિસ્તારોનું તાપમાન ફ્રીઝિંગ પૉઇન્ટ કરતાં સહેજ વધુ નોંધાયું છે. જોકે ગુલમર્ગના વિસ્તારોમાં ગઈ કાલે પણ હિમવર્ષા થતાં અહીં માઇનસ ૭.૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું તાપમાન નોંધાયું છે, જે આગલા દિવસ કરતાં ૩.૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું છે.