ગુજરાતમાં હથિયાર વેચાણ કૌભાંડનો પર્દાફાશ

21 June, 2020 07:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં હથિયાર વેચાણ કૌભાંડનો પર્દાફાશ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉર્ડ દ્વારા રાજ્યના અમદાવાદ સહિત કચ્છ, મોરબી, ભાવનગર અને અમરેલી જિલ્લામાં દરોડા પાડી ૫૪ ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટના હથિયારો ઝડપી પાડ્યાં છે. આ મામલે હમણાં સુધી નવ આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લા નવ દિવસથી એટીએસ દ્વારા શરૂ કરવામાં આવેલી ગુપ્ત ઓપરેશનને શુક્રવારની રાતે અંજામ આપવામાં આવ્યો હતો. સમગ્ર ઓપરેશન સ્થાનિક પોલીસની જાણ બહાર થયું હતું. ગુજરાત એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાને જાણકારી મળી હતી કે થોડા દિવસ પહેલાં કચ્છ પોલીસે પકડેલી ગૅન્ગને હથિયાર આપવાનું કામ કરતા અમદાવાદના એક નામાંકિત હથિયાર ડીલર ગુપ્તા ગન હાઉસમાંથી હથિયારો આપવામાં આવ્યાં છે, આ માહિતીને આધારે તેમણે ડેપ્યુટી પોલીસ સુપરિટેન્ડન્ટ ભાવેશ રોજિયાને આ ટીપ ઉપર કામ કરવાની સૂચના આપતા રોજિયાએ અલગ અલગ ટીમ તૈયાર કરી કોની પાસે કેટલાં ગેરકાયદે હથિયારો છે અને ક્યાં છે તેની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી.

શુક્રવારની સાંજે તમામ માહિતી આવી જતાં એટીએસની ટીમોએ મોડી રાતે ઓપરેશન પાર પાડવાનું નક્કી કર્યું હતું. આ ઘટનાક્રમ કચ્છના મોરના શિકાર માટે આવેલા લોકો આધુનિક હથિયાર સાથે પકડાયા હતા જેમાં કચ્છ-ભુજ પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો અને જીવતાં કાર્ટિસ જપ્ત કર્યાં હતાં જેમાં એટીએસના વડા હિમાંશુ શુક્લાને આ બાબતની માહિતી મળતાં તેઓએ આમાં મોટા કૌભાંડની શંકા દર્શાવી હતી. બાદમાં ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. આ ઓપરેશનમાં એટીએસ ઉપર વળતો હુમલો થવાની પણ આશંકા હતી, કારણ કેટલાક ગૅન્ગસ્ટરો પાસે પણ આધુનિક હથિયારો હતાં, જેના કારણે પૂરતી તૈયારી સાથે ટીમ અલગ અલગ જિલ્લામાં રવાના થઈ હતી.

national news gujarat kutch bhavnagar