ગુજરાત : ત્રણ દિવસમાં જાહેર થશે ઉમેદવારોનાં નામ

19 November, 2012 03:54 AM IST  | 

ગુજરાત : ત્રણ દિવસમાં જાહેર થશે ઉમેદવારોનાં નામ



ગુજરાત વિધાનસભા ઇલેક્શનના પ્રથમ તબક્કાના મતદાનમાં ગુજરાતની ૮૭ સીટનું મતદાન થવાનું છે. ૧૩ ડિસેમ્બરે થનારા આ મતદાન માટે ઉમેદવાર પાસે હવે માંડ પચીસ દિવસ બાકી રહ્યા છે અને એમ છતાં બીજેપી, કૉન્ગ્રેસ કે જીપીપીએ હજી સુધી પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કર્યા નથી. હકીકત એ છે કે દરેક પાર્ટી ઇચ્છે છે કે પહેલાં હરીફ પાર્ટી પોતાના કૅન્ડિડેટનાં નામ જાહેર કરે એ પછી પોતે નામ જાહેર કરે. ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘આવી ઇચ્છા હોય તો એમાં કંઈ ખોટું નથી. આ સ્ટ્રૅટેજીનો એક ભાગ છે અને પૉલિટિક્સમાં સ્ટ્રૅટેજી મહત્વનો ભાગ ભજવે છે. બુધવાર સુધીમાં અમારું લિસ્ટ ક્લિયર થઈ જશે એટલે અમે નામ અનાઉન્સ કરી દઈશું.’

બીજેપીના પ્રવક્તા વિજય રૂપાણીએ પણ આ વાત કબૂલી હતી અને કહ્યું હતું કે ‘લિસ્ટ અત્યારે ફાઇનલ સ્ટેજ પર છે અને મોવડીમંડળને પહોંચી પણ ગયું છે. જે કોઈએ ઇલેક્શનની તૈયારી કરવાની છે એ બધાને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. બેથી ત્રણ દિવસમાં અમારા ઉમેદવાર ઑફિશ્યલી ડિક્લેર થઈ જશે.’

કેશુભાઈ પટેલની જીપીપીના ઉમેદવારનું લિસ્ટ પણ લગભગ તૈયાર છે, પણ કેશુભાઈ બીજેપીના લિસ્ટની રાહ જુએ છે. જીપીપી ધારે છે કે જો બીજેપી ટિકિટ આપવામાં સારા નેતાઓને કાપે તો એ નેતાઓને જીપીપીમાં ખેંચી લાવવા. જીપીપીના મહામંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ કહ્યું હતું કે ‘વાત સાચી છે, અમે અત્યારે અમુક સેન્ટરનાં નામો તૈયાર રાખ્યાં છે. એ સેન્ટરના મોટા નેતાઓ અમારા સંપર્કમાં છે. એક-બે દિવસમાં તેમની સાથે પિક્ચર ક્લિયર થઈ જશે એટલે અમે નામ જાહેર કરી દઈશું.’

કોણ નામ પહેલાં જાહેર કરે છે એ તો આવતા દિવસોમાં ખબર પડશે, પણ બુધવાર સુધીમાં ગુજરાત ઇલેક્શનના પ્રથમ તબક્કાના ઉમેદવારોનાં નામ જાહેર થઈ જશે એ હવે લગભગ ફાઇનલ છે.