બીબીસીની વિરુદ્ધ ઍક્શન માટેનો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં રજૂ થશે

09 March, 2023 11:19 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બીજેપીના વિધાનસભ્ય વિપુલ પટેલ દ્વારા ઠરાવ રજૂ કરવામાં આવશે, બીબીસીની ડૉક્યુમેન્ટરીને ભારતની ગ્લોબલ ઇમેજને નુકસાન પહોંચાડવા માટેનો એક નિમ્ન સ્તરનો પ્રયાસ ગણાવ્યો

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ (પી.ટી.આઇ.) : ગુજરાતમાં બીજેપીના વિધાનસભ્ય વિપુલ પટેલ એક ડૉક્યુમેન્ટરીમાં ઊપજાવી કાઢેલાં તારણો રજૂ કરવા બદલ બીબીસીની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માગણી કરતો એક ઠરાવ શુક્રવારે વિધાનસભામાં રજૂ કરશે. તેમણે જણાવ્યું હતું કે આ ડૉક્યુમેન્ટરીમાં ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણો માટે વધુ એક વખત એ સમયની રાજ્ય સરકારને જવાબદાર ગણાવવાનો પ્રયાસ છે. આ પ્રસ્તાવિત ઠરાવમાં જણાવાશે કે બીબીસીની ડૉક્યુમેન્ટરી એ ભારતની ગ્લોબલ ઇમેજને નુકસાન પહોંચાડવા માટેનો એક નિમ્ન સ્તરનો પ્રયાસ છે. 

ગઈ કાલે વિધાનસભાના સચિવાલય દ્વારા શૅર કરવામાં આવેલા પ્રસ્તાવિત ઠરાવની સમરી અનુસાર ‘ભારત લોકતાં​​ત્રિક દેશ છે અને અભિવ્યક્તિની આઝાદી એ બંધારણના કેન્દ્રસ્થાને છે, પરંતુ એનો એ અર્થ નથી કે ન્યુઝ મીડિયા આવા ફ્રીડમનો દુરુપયોગ કરી શકે.’ 

બીબીસીની બે પાર્ટની ડૉક્યુમેન્ટરી ‘ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’માં દાવો કરવામાં આવ્યો છે કે એમાં ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોના સંબંધમાં કેટલાંક પાસાંની તપાસ કરવામાં આવી છે કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ રાજ્યના મુખ્ય પ્રધાન હતા.

પટેલ દ્વારા રજૂ કરવામાં આવનારા ઠરાવ સાથેની નોંધમાં જણાવાયું છે કે ‘જો કોઈ બીબીસીની જેમ વર્તે કે કામ કરે તો પછી એને હળવાશથી ન લઈ શકાય. બીબીસી ​એની વિશ્વસનીયતા ગુમાવી રહી છે અને એ ભારત અને ભારત સરકારની વિરુદ્ધ કોઈ છુપા એજન્ડાથી કામ કરી રહી હોય એમ જણાય છે. એટલા માટે આ ગૃહ બીબીસીની ડૉક્યુમેન્ટરીમાં રજૂ કરવામાં આવેલાં અવિશ્વસનીય તારણો બદલ કેન્દ્ર સરકાર આકરી કાર્યવાહી કરે.’

આ નોંધમાં વધુ જણાવાયું છે કે નાણાવટી શાહ તપાસ પંચનું તારણ આવ્યું છે કે ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસને બાળવાની ઘટના સુઆયોજિત કાવતરું હતું, જ્યારે એના પછી થયેલાં કોમી રમખાણો સ્પૉન્ટેનિયસ હતાં. 

gujarat news ahmedabad bbc Gujarat BJP