2020ની પહેલી ફેબ્રુઆરીએ કુલ 65 જૈન શ્રદ્ધાળુઓ દીક્ષા લેશે

31 December, 2019 09:22 AM IST  |  Ahmedabad

2020ની પહેલી ફેબ્રુઆરીએ કુલ 65 જૈન શ્રદ્ધાળુઓ દીક્ષા લેશે

જૈન શ્રદ્ધાળુઓ

આજના જમાનામાં જ્યારે લોકો ૧૦ મિનિટ માટે પણ પોતાનો મોબાઇલ નીચે મૂકતા નથી. ઘર અને કારમાં એસી વિના રહી શકતા નથી. અઠવાડિયામાં એક વાર રેસ્ટોરાંમાં જવાનું કે મૂવી જોવા જવાનું છોડી શકતા નથી. ત્યારે કેટલાક એવા છે જે આ બધાં જ સાંસારિક પ્રલોભનો છોડીને સાદગીભર્યું જીવન જીવવાના માર્ગ પર ચાલવા માગે છે. ૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના કુલ ૬૫ જૈન શ્રદ્ધાળુઓ સુરતમાં આયોજિત સમારોહમાં દીક્ષા લેશે. ૬૫ દીક્ષાર્થીઓમાંથી ૮ અમદાવાદના છે. ૫૦૦ વર્ષમાં કદાચ પહેલી વાર આટલી મોટી સંખ્યામાં દીક્ષાર્થીઓ દીક્ષા લેવા જઈ રહ્યા છે.

૨૦૧૪માં સુરતમાં જ એકસાથે ૪૪ દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી હતી. ફેબ્રુઆરીમાં યોજાનારો આ સમારોહ રત્નાત્રેય સમર્પણોત્સવ તરીકે ઓળખાય છે જેનું આયોજન શ્રી સુરત જિનાજ્ઞા ટ્રસ્ટ દ્વારા કરાયું છે. રત્નાત્રેય સમર્પણોત્સવની સમિતિના સભ્ય અનિલ શાહે કહ્યું કે ‘૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના દીક્ષા લેનારા ૬૫ લોકો પૈકી ૨૦ જણની ઉંમર ૧૭ વર્ષથી ઓછી છે. દીક્ષાર્થીઓમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, એન્જિનિયરો, આર્કિટેક્ટનો સમાવેશ થાય છે. ૧૮થી ૪૦ વર્ષની ઉંમરના લોકોનું ગ્રુપ એવું છે જે સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. સુરતનાં ૮૪ વર્ષનાં કાંતાબહેન ચીમનલાલ પણ દીક્ષા લેવાનાં છે. અમદાવાદ, પુણે અને કોઇમ્બતુરના પરિવારો પણ દીક્ષા લેવાના છે. સમારોહનો ખર્ચો સંઘવી ચીમનલાલ પોપટલાલ પરિવાર અને ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવશે.

gujarat ahmedabad