રથયાત્રા પહેલા અમદાવાદમાં 24 કલાકમાં પોલીસને આવ્યો બીજો ધમકીભર્યો કૉલ

24 June, 2019 08:43 AM IST  |  અમદાવાદ

રથયાત્રા પહેલા અમદાવાદમાં 24 કલાકમાં પોલીસને આવ્યો બીજો ધમકીભર્યો કૉલ

ભગવાન જગન્નાથજીની રથયાત્રા

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને પોલીસ સઘન પૅટ્રોલિંગ કરી રહી છે ત્યારે શહેરમાં શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટ કરવાની ધમકી મળતાં દોડધામ મચી ગઈ છે. અમદાવાદના નેહરુનગર બસ-સ્ટૅન્ડ અને બસોને ૩ દિવસમાં બૉમ્બથી ઉડાડી દેવાની ધમકીને હજી ૨૪ કલાક પણ થયા નથી ત્યાં અન્ય એક ધમકી મળી છે. રથયાત્રા પૂર્વે અમદાવાદમાં બૉમ્બ-બ્લાસ્ટની ધમકીને પગલે ગુજરાત પોલીસ સર્તક થઈ ગઈ છે.

નારોલની શાહવાડીમાં કચરાપેટીમાં બૉમ્બ મુકાયો હોવાનો મેસેજ પણ ફરતો કરવામાં આવ્યો હતો. મેસેજની જાણ પોલીસને થતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં કૉલ મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડૉગ-સ્ક્વૉડના આધારે તપાસ કરી હતી, પરંતુ તપાસમાં વાંધાજનક કશું મળ્યું નહોતું.

ગઈ કાલે રાતે અમદાવાદના નેહરુનગર બસ-સ્ટૅન્ડ અને બસોને ૩ દિવસમાં બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કૉલ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાં મળ્યો હતો. પોલીસે ફોનના પગલે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચ, સાઇબર ક્રાઇમ દ્વારા બસ-સ્ટૉપ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. બૉમ્બની ધમકી આપનાર શખસ મોહમ્મદ આસિફ માનસિક રીતે અસ્થિર છે. તેની શહેરની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ફોનના પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હૉસ્પિટલ પહોંચી હતી. તો બીજી બાજુ એસઓજીની ટીમે પણ નેહરુનગર વિસ્તારમાં તપાસ શરૂ કરી દીધી હતી.

અમદાવાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટે પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી

પોલીસ કૉન્સ્ટેબલો સાથે ખભેખભો મિલાવીને જાનમાલનું રક્ષણ કરતા હોમગાર્ડ્સ જવાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ખડેપગે પોતાની ફરજ નિભાવશે. પરંપરાગત નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષાની તૈયારીઓ પણ હોમગાર્ડ જવાનોએ આરંભી લીધી છે. એના ભાગરૂપે ભૂતપૂર્વ તૈયારીઓની અમદાવાદ જિલ્લા હોમગાર્ડ કમાડન્ટે સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો : માતાજીના મંદિરમાં મગર: ગ્રામજનો ચમત્કાર સમજી દોડ્યા

ભગવાન જગન્નાથજીની ૨૦૧૯માં અષાઢી બીજે યોજાનારી રથયાત્રાની જુદી-જુદી વિધિઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગૃહવિભાગ દ્વારા પણ રથયાત્રા સંદર્ભે વિવિધ પ્રકારની વિશેષ સુરક્ષાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. ત્યારે પોલીસ, એસઆરપી, પૅરા મિલિટરી ફોર્સ અને અન્ય સુરક્ષા દળો સાથે ખભેખભો મિલાવીને જાનમાલનું રક્ષણ કરતા હોમગાર્ડ જવાનોની ખાસ પરેડ ડિવિઝન ૧૦ અનિલસ્ટ્રાચ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેનું સીધું નિરીક્ષણ અમદાવાદ શહેર પશ્ચિમના હોમગાર્ડ કમાન્ડન્ટે કર્યું હતું અને રથયાત્રા સદર્ભે વિશેષ સલાહસૂચન આપ્યાં હતાં.

gujarat ahmedabad Rathyatra