ગુજરાતમાં આજે ૮ લાખ કર્મચારીઓ પાળશે રજા

27 August, 2012 05:14 AM IST  | 

ગુજરાતમાં આજે ૮ લાખ કર્મચારીઓ પાળશે રજા

છઠ્ઠા પગારપંચનો અમલ કરવો, નિવૃત્તિની ઉંમર ૫૮ને બદલે ૬૦ની કરવી અને ટ્રાવેલિંગ અલાઉન્સ જેવી અલગ-અલગ ૧૪ માગણીઓ લાંબા સમયથી ગુજરાત સરકાર દ્વારા સ્વીકારાતી ન હોવાથી ગુજરાતના સરકારી કર્મચારીઓએ ગઈ કાલે અમદાવાદમાં એક વિશાળ રૅલીનું આયોજન કર્યું હતું જે ખરા અર્થમાં વિશાળ પુરવાર થઈ હતી. સ્વૈચ્છિક શિસ્તબદ્ધતા સાથે ઇન્કમ-ટૅક્સ ચાર રસ્તા પાસેથી મહારૅલી નીકળી હતી જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને એજ્યુકેશન ગ્રાઉન્ડમાં સભામાં ફેરવાઈ ગઈ હતી. આ રૅલીમાં ૩૫,૦૦૦થી વધુ કર્મચારીઓ જોડાયા હતા, જ્યારે સભામાં ૪૨થી ૪૫ હજાર જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના કન્વીનર વિષ્ણુ પટેલે કહ્યું હતું કે ‘દેશની ખમતીધર ગણાતી રાજ્ય સરકાર આ રીતે કેન્દ્રના પગારપંચનો અમલ કરવામાં ઠાગાઠૈયા કરે એ દેખાડે છે કે એને કર્મચારીઓની કાંઈ પડી નથી. જો આવું જ ચાલતું રહ્યું તો અમે ગુજરાતની વિધાનસભા ઇલેક્શનનો વિરોધ કરીશું અને ઇલેક્શનની કામગીરીથી દૂર થઈ જઈશું.’

ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ નક્કી કર્યા મુજબ આજે ગુજરાત સરકારના ૮ લાખ જેટલા કર્મચારીઓ એકસાથે કૅઝ્યુઅલ લીવ પર ઊતરીને રજા રાખવાના છે.