04 July, 2023 11:11 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
જૂનાગઢ પાસે કબૂતરીખાણનો ચેકડૅમ છલકાયો.
છેલ્લા અઠવાડિયા દરમ્યાન ગુજરાતમાં થયેલી મેઘમહેરથી ૧૯ જળાશયો છલકાયાં છે અને બીજાં જળાશયોમાં ભરપૂર માત્રામાં નવી નીરની આવક થઈ છે. એટલું જ નહીં, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બનાવાયેલો સરદાર સરોવર ડૅમ ૫૫ ટકાથી વધુ ભરાયો છે. ગુજરાતમાં પડેલા વરસાદના પગલે ૨૦૬ જળાશયોમાં ૩૮ ટકાથી વધુ પાણી ભરાયાં છે. અમરેલી જિલ્લાના મુંજિયાસર અને ધાતરવાડી, ગીર સોમનાથનો મચ્છુન્દ્રી, જૂનાગઢનો ઉબેન, રાજકોટનો મોજ, કચ્છનો કંકાવટી સહિતનાં ૧૯ જળાશયો છલકાયાં છે. આ સાથે બીજાં ૨૯ જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયાં જ્યારે ૨૫ જળાશયો ૫૦થી ૭૦ ટકા ભરાયાં છે અને ૫૪ જળાશયો ૨૫થી ૫૦ ટકા ભરાયાં છે. સરદાર સરોવર ડૅમમાં કુલ સંગ્રહશક્તિના ૫૫.૧૭ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.
બીજી તરફ સારા વરસાદના પગલે ચેકડૅમો પણ છલકાયા છે. જૂનાગઢ પાસે કબૂતરીખાણનો ચેકડૅમ છલકાતાં ખેતીવાડી સાથે વન્ય પ્રાણીઓને પીવાનાં પાણીનો સ્રોત ઉપલબ્ધ થયો છે. પોલીસ અને સિંચાઈ વિભાગે બનાવેલા આ ચેકડૅમમાં ભારે વરસાદથી ૨.૧૪ મિલ્યન ઘનફુટ પાણીનો સંગ્રહ થયો છે. એટલું જ નહીં, આ ચેકડૅમમાં પાણી ભરાતાં આસપાસના ૭થી ૮ કિલોમીટરના વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તરમાં ફાયદો થશે.